તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
કલેકટર માટે લોકમેળો-૩૦૦ કેસના ઠરાવ મોટો પડકાર મેળાની SOPમાં કોઇ બાંધછોડ નહીં: પ૧મા કલેકટર ડો. ઓમપ્રકાશ : જુઓ વિડિયો
આજે સવારે ચાર્જ સંભાળ્યોઃ એડીશ્નલ કલેકટર-સીટી પ્રાંત-૧ તથા અન્યો દ્વારા સ્વાગત : જીલ્લાના છેવાડાના વિસ્તાર સુધી સરકારી યોજનાઓ પહોંચે તે ખાસ પ્રાધાન્ય રહેશે... : ડો. ઓમ પ્રકાશ સામે સરકારી જમીન પર બાકી રહેલ હજુ પણ કરોડોના દબાણોઃ ફરીયાદ સંકલન મીટીંગ-મહેસૂલ-અપીલનું બોર્ડ-લેન્ડ ગ્રેબીંગ મીટીંગ-કલેકટર સ્વાગત કાર્યક્રમ-સહિતના પણ અનેક જટીલ પ્રશ્નોઃ રાજકોટ-જેતપુર સીકસ લાઇન રોડમાં ટ્રાફીકનો તેમને પણ કડવો અનુભવઃ અનેક મહત્વના ચૂકાદા પણ બાકીઃ દર ગુરૂવારે પત્રકારોને મળશે.

રાજકોટઃ શહેર-જીલ્લાના પ૧માં કલેકટર તરીકે આજે ડો. ઓમ પ્રકાશે ચાર્જ સંભાળી લીધો હતો, આ તકે તેમનું રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર, એડીશ્નલ કલેકટર શ્રી આલોક ગૌતમે સ્વાગત કર્યું તે નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ર૩: રાજસ્થાનના વતની અને ર૦૧૬ની બેચના આઇએએસ ઓફીસર તથા રાજકોટમાં ર૦૧૯ની સાલમાં સીટી પ્રાંત-૩ અને અન્ય તમામ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવનાર નવા કલેકટર શહેરના પ૧માં કલેકટરશ તરીકે આજે ડો. ઓમ પ્રકાશએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. કલેકટર કચેરી ખાતે એડિશ્નલ કલેકટર આલોક ગૌતમ, સિટી પ્રાંત-૧ ચાંદની પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, કલેકટર સમક્ષ સીટી સી ફોર્મ એડીશ્નલ કલેકટર તથા કલેકટરના પી.એ. રજુ કરી સહી લીધી હતી.
ડો. ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની છે અને એમ.બી.બી.એસ., ડી.પી.એચ.નો અભ્યાસ કરેલો છે. આ અગાઉ, તેઓ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પર હતા. તેમનો અગાઉના કાર્યકાળ જોઈએ તો તેઓએ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસપિલ કમિશનર તરીકે દોઢ વર્ષ અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોણા ત્રણ વર્ષ ફરજ બજાવી છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે તેઓશ્રી ૮-૧૦-૨૦૧૮થી લઈને ૧૭-૧૨-૧૯ સુધી ફરજ બજાવી ચૂકયા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિવિધ નાયબ કલેક્ટરના ચાર્જ પણ તેમણે વહન કર્યા છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોબેશનરી આઈ.એ.એસ. તરીકે રહી ચૂકયા છે.
આજે સવારે પદભાર સાંભળતી વખતે તેમણે કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના વિસ્તારના વંચિતો, ગરીબો સુધી સરકારી યોજનાના લાભો સરળ રીતે પહોંચે એ પ્રાથમિકતા રહેશે. ગરીબ માણસોને એવી પ્રતીતિ થવી જોઈએ કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમના માટે કામ કરી રહ્યું છે. રાજકોટમાં અગાઉ કામ કરી ચૂકયા હોવાથી આ અનુભવ જિલ્લાના વિકાસ અને વહીવટી કામગીરીમાં ખૂબ ઉપયોગી થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ સાથે તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તમામ ક્ષેત્રોમાં ખૂબ ક્ષમતાઓ છે. આરોગ્ય અને શિક્ષણની સાથે જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂકવામાં આવશે.
તેમણે રાજકોટ જિલ્લાના વિકાસની સકારાત્મક બાબતોને લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી.
પદભાર સંભાળ્યા બાદ ડો. ઓમ પ્રકાશે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘‘મને આનંદ છે કે રાજકોટમાં મને કલેકટર તરીકે સેવા આપવાની તક મળી છે. અગાઉ હું અહીં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયો છું, જેથી આ શહેરથી હું પરિચિત છું. મારી પ્રાથમિકતા રહેશે કે સરકારની વિવિધ યોજનાઓ શિક્ષણ, આરોગ્ય, પાણી તથા અન્ય સુવિધાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને હું કલેકટર તરીકે લોકોની શ્રેષ્ઠ સેવા કરી શકું.''
આગામી જન્માષ્ટમીના લોકમેળા અંગેના વિવાદ પર તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘‘સરકારની જે કોઇ SOP (Standard Operating Procedure) હશે તેમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં'' જે નિયમો છે તે છે, જરૂર પડયે રાઇડના માલીકો સાથે પણ ચર્ચા કરીશું, જો કે આજે લોકમેળામાં ફોર્મની મુદત અંગે કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો.
વધુમાં, રાજકોટ-જેતપુર વચ્ચે બની રહેલા નેશનલ હાઇવેના કામમાં થઇ રહેલા વિલંબ અંગેના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે, ‘‘મને આ સમસ્યાનો ખ્યાલ છે. જૂનાગઢ ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતી વખતે પણ હું આ માર્ગ પરથી અવરજવર કરતો હતો. તેમને પણ કડવો અનુભવ થયો છે. આગામી સમયમાં નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે બેઠક કરીને આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે.
રાજકોટના નવનિયુકત કલેકટર ડો. ઓમ પ્રકાશ પાસેથી શહેરના વિકાસ કાર્યોને ગતિ મળે અને લોકહિતના કાર્યોને પ્રાધાન્ય મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, કલેકટરનું રાજકોટમાં ટ્રેઇની આઇએએસ શ્રી વૃશાલી કામલેએ પણ સ્વાગત કર્યું હતું.
અત્રે એ નોંધનીય છે કે રાજકોટ કલેકટર સમક્ષ લોકમેળો ઉપરાંત મહેસૂલ-અપીલના બોર્ડમાં હિયરીંગ પર રહેલા ૬૦૦ કેસો, તથા ઠરાવ પર રહેલા અને ભૂતપૂર્વ કલેકટરની સહી ન થઇ હોય એવા ૩૦૦ જેટલા કેસો પણ મોટો પડકાર બની રહેશે, કારણ કે આ ૩૦૦ કેસમાં હવે પક્ષકારોને સાંભળવા હવે એક મુદત આપવી પડશે, બાદમાં હુકમો થશે. આ ઉપરાંત મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ, ફરીયાદ સંકલન મીટીંગ, કલેકટર સ્વાગત કાર્યક્રમ, લેન્ડ ગ્રેબીંગ મીટીંગ, બાકી રહી ગયેલ સરકારી જમીન પરના કોમર્શીયલ, રેસીડન્સ, ધાર્મિક દબાણો, માધાપર ચોકડી પાસે સર્વીસ રોડ કાર્યવાહી પણ મુખ્ય પડકાર રહેશે. (૭.રપ)
(3:49 PM IST)










