તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
બોલેરોના આગલા વ્હીલ પાસે સુવડાવાયેલી એક વર્ષની ક્રિષ્નાનું માથે વ્હીલ ફરી જતાં મોત
મોરબી રોડ રાધામીરા સોસાયટીમાં નવા બની રહેલા મકાનની સાઇટ પર બનાવ : મધ્યપ્રદેશના મજૂર દંપતિએ દિકરીને શેઠની બોલેરો આગળ સુવડાવી કડીયા કામ કરી રહ્યા હતાં: વરસાદ હોઇ બાળકીની માથે સિમેન્ટની ખાલી થેલી ઓઢાડી હતીઃ સિમેન્ટની ગુણીઓ રાખવાની હોઇ શેઠ સુખાભાઇ ચાવડાએ બોલેરો ચાલુ કરી દૂર લીધી ત્યારે બાળકી કચડાઇ ગઇ

રાજકોટ તા. ૨૪: જુના મોરબી રોડ પર રાધામીરા સોસાયટીમાં નવા બની રહેલા મકાનના બાંધકામની સાઇટ પર કરૂણ ઘટના બની હતી. કડીયા કામની મજૂરી કરી રહેલા દંપતિએ પોતાની એક વર્ષની દિકરીને સાઇટ પાસે શેઠે પાર્ક કરેલી બોલેરોના આગલા વ્હીલ પાસે સુવડાવી હતી અને વરસાદ આવતો હોઇ જેથી આ દિકરીને સિમેન્ટની ખાલી થેલી ઓઢાડી હતી. દરમિયાન બોલેરો રાખી હતી ત્યાં સિમેન્ટની ગુણીઓ રાખવાની હોઇ શેઠે બોલેરો ચાલુ કરી આગળ લેતાં આગલા વ્હીલ પાસે સુતેલી બાળકી પર વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજા થતાં આ માસુમ બાળકીનું મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મુળ મધ્યપ્રદેશના જાંબુવાના કુંદનપુર તબોના મેડા ગામના અને હાલ મોરબી રોડ પર રાધામીરા સોસાયટી પાસે ઝૂપડામાં રહી છુટક કડીયા કામની મજૂરી કરતાં અબલાભાઇ મીટીયાભાઇ મેડા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી બોલેરોના ચાલક સુખા મેણંદભાઇ ચાવડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અબલાભાઇએ જણાવ્યું હતું કે હું સાતેક વર્ષથી રાજકોટ રહી છુટક મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. મારી સાથે મારી પત્નિ નરબી અને બે દિકરીઓ રહે છે. જેમાં મોટી દિકરી નંદની બે વર્ષની છે અને નાની દિકરી ક્રિષ્ના એક વર્ષની હતી.
સોમવારે સવારે હું અને મારા પત્નિ બંને દિકરીઓને સાથે લઇ અમારા ઝૂપડા પાસે નવા બંધાતા મકાનની છતનું કામ કરવાનું હોઇ અમારા શેઠ સુખાભાઇ મેણંદભાઇ ચાવડા સાથે સાઇટ પર મજૂરી કરતાં હતાં. આ વખતે શેઠ સુખાભાઇ બોલોેર જીજે૦૩બીવી-૪૩૨૯ લઇને સાઇટ પર આવ્યા હતાં અને સાઇડમાં પાર્ક કરી હતી. અમારે કડીયા કામ કરવાનું હોઇ જેથી મારી પત્નિ નરબીએ મારી દિકરી ક્રિષ્ના (ઉ.વ.૧)ને શેઠ સુખાભાઇની બોલેરોની ડાબી બાજુના અગાળના ટાયર પાસે જમીન પર સુવડાવી હતી. વરસાદ આવતો હોઇ જેથી દિકરીને સુવડાવી માથે સિમેન્ટની ખાલી થેલી ઓઢાડી દીધી હતી અને હું તથા મારા પત્નિ કામમાં જોડાઇ ગયા હતાં. એ પછી અમારા કોન્ટ્રાક્ટર યોગેશભાઇ આવ્યા હતાં અને બોલેરો જ્યાં પાર્ક કરી હતી ત્યાં સિમેન્ટની ગુણીઓ મુકવાની હોઇ જેથી વાહન લઇ લેવાનું કહેતાં સુખાભાઇ તેની બોલેરો દુર લેવા માટે ગયા હતાં.
સુખાભાઇએ બોલેરો ચાલુ કરી હતી અને આગળના વ્હીલ પાસે મારી દિકરીને સુવડાવી હોઇ તેના પર ટાયર ફેરવી દીધુ હતું. મારા પત્નિ જોઇ જતાં તેણે બૂમ પાડતાં સુખાભાઇએ ગાડી તુરત ઉભી રાખી દીધી હતી. અમે દોડીને તયાં ગયા હતાં. ત્યારે અમારી દિકરી રડતી હતી. બાદામાં અર્ધબેભાન થઇ ગઇ હતી. બનાવને પગલે માણસો ભેગા થઇ જતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ આવી ગઇ હતી. જેથી અમે દિકરીએ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં લઇ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન રાતે અમારી દિકરીનું મોત થઇ ગયું હતું. હોસ્પિટલ મારફત જાણ થતાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. એમ. પીઠીયાએ જરૂરી કાર્યવાહી કરી અબલાભાઇની ફરિયાદ પરથી બોલેરોચાલક શેઠ સુખાભાઇ ચાવડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. માસુમ દિકરીના મોતથી મજૂર દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું. મૃતદેહને અંતિમવિધી માટે તેઓ વતન મધ્યપ્રદેશ ખાતે લઇ ગયા હતાં. (૧૪.૫)
(3:11 PM IST)










