તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
કાળમુખી કટોકટીના ૫૦ વર્ષ બંધારણ હત્યાની કાળી રાત

૨૫ જૂન ૧૯૭૫ના રોજ ઘોષિત રાષ્ટ્રીય કટોકટીની ૫૦મી વર્ષગાંઠે ભારતના લોકશાહી ઇતિહાસના કાળા અધ્યાયને યાદ કરાવે છે. ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણના મૂળભૂત હકોનું હનન કરી, વિરોધી નેતાઓની ધરપકડો કરી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકયો. આજે કેન્દ્ર સરકાર દ્વારા ૨૫ જૂનને ‘‘બંધારણ હત્યા દિવસ'' તરીકે ઉજવવાની જાહેરાત સાથે લોકશાહીના મૂલ્યોને સંભારવામાં આવે છે.
લોકશાહીનું ગળું દબાવનારી મધરાત
૨૫ જૂન ૧૯૭૫ની રાત્રે, તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી. આ ઘોષણાએ ભારતના બંધારણની આત્માને ઘા માર્યો. નાગરિકોના મૂળભૂત હકો, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ન્યાયની ગેરંટીને નામમાત્ર બનાવી દેવાઈ. સરકારે દાવો કર્યો કે આ પગલું દેશની સુરક્ષા અને એકતા માટે જરૂરી હતું, પરંતુ હકીકતમાં તે સત્તા જાળવવાની રાજકીય ચાલ હતી.
ઇન્દિરા ગાંધીની ચૂંટણી અમાન્ય, કટોકટીનું કારણ
૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ સામ્યવાદી નેતા રાજ નારાયણને હરાવ્યા હતા. રાજ નારાયણે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી, આરોપ લગાવ્યો કે ઇન્દિરાએ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો. ૧૨ જૂન ૧૯૭૫ના રોજ કોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી અમાન્ય ગણી અને વડાપ્રધાનપદ માટે અયોગ્ય જાહેર કર્યા. સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળ્યો, પરંતુ રાજકીય અસ્થિરતાએ કટોકટીનો માર્ગ મોકળો કર્યો.
વિરોધી નેતાઓની ધરપકડઃ આરએસએસ પર પ્રતિબંધ
કટોકટીની ઘોષણા બાદ સરકારે વિરોધી નેતાઓ પર કડક કાર્યવાહી શરૂ કરી. અટલ બિહારી વાજપેયી, લાલ કળષ્ણ અડવાણી, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ સહિત અનેક નેતાઓની ધરપકડ કરાઈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકાયો અને તેના નેતા બાળાસાહેબ દેવરસ સહિત અનેક સભ્યોને જેલમાં ધકેલવામાં આવ્યા. મિસ, ડીઆઇએસઆઇઆર અને કોફેપોસા જેવા કડક કાયદાઓ હેઠળ લાખો લોકોની ધરપકડ થઈ. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તે સમયે ભૂગર્ભમાં રહીને કટોકટી વિરુદ્ધ જનસમર્થન એકઠું કરતા હતા.
૨૧ મહિનાનું દમનશાસન
જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધી ચાલેલી આ ઇમર્જન્સીએ દેશને ભયના માહોલમાં ધકેલી દીધો. પત્રકારો પર સેન્સરશીપ લાગી, રાજકીય વિરોધ દબાવાયો અને નાગરિકો ખુલ્લી ચર્ચાથી ડરતા થયા. બંધારણમાં કરાયેલા સુધારાઓએ ડો. બાબાસાહેબ આંબેડકરના મૂળ તત્વોને નષ્ટ કર્યા.
જનતાનો બદલો, કોંગ્રેસનો પરાજય
૧૯૭૭ની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસના ત્રાસશાસનનો જોરદાર જવાબ આપ્યો. જનતા પાર્ટીની ઐતિહાસિક જીત સાથે લોકશાહીની પુનઃસ્થાપના થઈ. આ ચૂંટણીએ સાબિત કર્યું કે લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે.
‘‘બંધારણ હત્યા દિવસ''ની ઉજવણી
કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહે ૧૨ જુલાઈ ૨૦૨૪ના રોજ જાહેરાત કરી કે ૨૫ જૂન દર વર્ષે ‘‘બંધારણ હત્યા દિવસ'' તરીકે ઉજવાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ નિર્ણયને આવકારતા કહ્યું કે આ દિવસ કટોકટીના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. આ દિવસ લોકશાહીના મૂલ્યોનું સંરક્ષણ કરવાની ચેતવણી આપે છે.
આજની પેઢી માટે પાઠ
૫૦ વર્ષ પછી પણ કટોકટીનો કાળો ઇતિહાસ યુવા પેઢી માટે ચેતવણી છે. બંધારણના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકર અને લોકશાહી માટે લડનારા હજારો વીરોનું સન્માન કરીએ. આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે લોકશાહીના મૂલ્યોનું રક્ષણ કરીશું.
સંકલનઃ અરુણ નિર્મળ
પ્રેસ-મીડિયા અગ્રણી, જિલ્લા રાજકોટ ભાજપ,
મો. ૯૮૨૪૪૧૭૭૩૬,
(2:38 PM IST)










