તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
માનસિક બિમાર ભાવેશભાઇ બજારમાં બકવાસ કરતો હોવાથી ગાળો દીધાનું સમજી જયદેવભાઇએ પગની ઢાંકણી ભાંગી નાંખી
ત્રણ શખ્સો સાથે મળી બેફામ માર માર્યો અને ધમકી પણ દીધીઃ ઘાયલ યુવાનના સુરત રહેતાં પિતા રમેશભાઇ રાદડીયાએ ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૪: ધારીના પ્રેમપરામાં રહેતો ભાવેશભાઇ નામનો યુવાન માનસિક બિમાર હોઇ તેની દવા ચાલુ હોઇ તે બજારમાં ચાલતો ચાલતો બકવાસ કરતો હોઇ આ વખતે ગામના જ જયદેવભાઇ નામના શખ્સને ભાવેશભાઇ તેને ગાળો આપે છે તેવું લાગતાં ખાર રાખી બીજા ત્રણ શખ્સો સાથે મળી ભાવેશભાઇને લોખંડના પાઇપથી માર મારી એક પગની ઢાંકણી ભાંગી નાંખતા સારવાર માટે દાખલ કરવામાં આવતાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ મામલે ધારી પોલીસે ચાર જણા સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ આ અંગે ધારી પોલીસે ધારીના પ્રેમપરામાં રહેતાં રમેશભાઇ આણંદભાઇ રાદડીયા (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી જયદેવભાઇ દેશાભાઇ ધાધલ અને ત્રણ અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રમેશભાઇ રાદડીયા નિવૃત જીવન જીવે છે અને હાલ સુરત લસકાણા ચોકડીએ શામળા રો હાઉસમાં રહે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યુ છે કે મારો નાનો દિકરો વિશાલ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે અને મોટો ભાવેશ જે ૩૭ વર્ષનો છે તે દસેક વર્ષથી માનસિક બિમાર હોઇ તેની વડોદરાના ડોક્ટર પાસે દવા ચાલુ છે. ૨૨/૬ના સાંજે સાડા ચારેક વાગ્યે હું સુરત મારા ઘરે હતો ત્યારે નાના દિકરા વિશાલે ફમને ફોન કરી કહ્યું હતું કે ધારીમાં આપણા ઘર સામે મોટો ભાઇ ભાવેશભાઇ ઘરની બહાર ઉભો હતો ત્યારે માથાકુટ થઇ છે અને આપણા ગામના જ જયદેવભાઇ તથા ત્રણ અજાણ્યા શખ્સોએ તેને લોખંડના પાઇપથી બેફામ માર મારી ખૂનની ધમકી આપી છે. જેથી ભાવેશભાઇને દાદા તેને ધારી દવાખાને લઇ ગયા છે.
ત્યારબાદ મને મારા જમાઇ સાગરભાઇ હીમતભાઇ સોજીત્રાએ ફોન કરી જણાવ્યું હતું કે ભાવેશભાઇને અમરેલી સરકારી દવાખાને રીફર કરી ત્યાંથી વધુ સારવાર માટે સુરત લઇ આવીએ છીએ. આ પછી મારા દિકરાને સુરત દાખલ કરી હું ધારી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ફરિયાદ કરી હતી. ડોકટરે સારવાર નિદાન કરતાં હુમલામાં મારા દિકરા ભાવેશભાઇને ડાબા પગની ઢાંકણીમાં ફ્રેકચર થઇ ગયાનું અને ઓપરેશન કરવુ પડે તેમ હોવાનું જણાવાયુ઼ હતું. રમેશભાઇ રાદડીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ માથાકુટનું કારણ એવુ છે કે મારો દિકરો ભાવેશભાઇ માનસિક બિમાર હોઇ બજારમાં ચાલતો ચાલતો તે બકવાસ કરતો હોઇ જેના કારણે જયદેવભાઇને એવુ લાગ્યું હતું કે ભાવેશ તેને ગાળો આપે છે. આ બાબતે ખાર રાખી જયદેવભાઇ અને ત્રણ અજાણ્યાએ મળી મારા દિકરાને ગાળો દઇ પાઇપથી માર મારી પગની ઢાંકણી ભાંગી નાંખી હતી. ધારીના પીએસઓ પી. એમ. રાઠોડે ગુનો નોંધતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(2:32 PM IST)










