તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
કૈલાશભાઇ દાબેલીવાળાને ૧ લાખનો દંડ
મસાલાનો નમુનો ૧૧ વર્ષ પહેલા નાપાસ થયેલ :બ્રહ્માણીયાપરામાંથી ૨૦૧૪માં સેમ્પલ લેવાયેલઃ સિન્થેટીક ફુડ કલર તથા ડાયની હાજરી મળેલઃ ભગવતીપરા તથા રૈયાધાર વિસ્તારના ૨૨ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સૂચનાઃ ફુડ શાખાની કાર્યવાહી

રાજકોટ, તા. ર૪: મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે. જે અંતર્ગત ભગવતીપરા તથા રૈયાધાર વિસ્તારમાં રર ધંધાર્થીઓને લાઇસનસ અંગે સૂચના આપેલ.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસર કે.એમ. રાઠોડ દ્વારા તા.૦૫-૦૫-૨૦૧૪ ના રોજ ‘કૈલાશભાઈ દાબેલીવાળા (લારી)' સ્થળ રેહ. ચામુંડા કળપા બ્રહ્માણીયાપરા નં.૨, શ્રીરામ ડેરીની સામે, રાજકોટ મુકામેથી ‘દાબેલી મસાલો (લુઝ)' નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદામાં પ્રિપેર્ડ ફૂડમાં પ્રતિબંધિત ‘સિન્થેટીક ફૂડ કલર કોલટાર કલર અને ડાય ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો ‘અનસેફ ફૂડ' જાહેર કરવામાં આવેલ.
જેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફટી ઓફિસર કે.એમ. રાઠોડ દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયા સાહેબે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ ની કલમ-૫૯(i) હેઠળ તકસીરવાન ઠરાવી કિશોરભાઈ પ્રાણનાથ ઓગળ (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને કુલ રૂ.૧ લાખ તથા TILL RISING OF THE COURT ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૧ માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ભગવતીપરા મેઇન રોડ તથા રૈયાધાર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
સંજરી એજન્સી, જય શંકર શેરડીનો રસ, ક્રિષ્ના આઇસ્ક્રીમ, એ૧ ફૂડ ઝોન, જય ચામુંડા કૃપા દાળ-પકવાન, વોરા ગાંધી જનરલ સ્ટોર્સ, માતેશ્રી સુપર માર્કેટ, ન્યુ ચામુંડા ફરસાણ, રાધે એજન્સી તેમજ નિજામી કોલ્ડ્રિંક્સ ને લાયસન્સ મેળવવા બાબતે સુચના આપવામાં આવી.
ઉપરાંત ક્રિષ્ના ડેરી ફાર્મ, કાના નાસ્તા સેન્ટર, શ્રીહરિ પૂરી શાક, શ્રીજી વડાપાઉં, ભગવતી ફરસાણ, સંતોષી બેકરી, જય જલારામ જનરલ સ્ટોર્સ, બાલમુકુન્દ જનરલ સ્ટોર્સ, માં ભગવતી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જલારામ પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર ઘૂઘરા ને જય નકળંગ ડેરી ફાર્મ ને પણ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(3:09 PM IST)










