તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
રાજકોટ બસ પોર્ટની સેવા કથળીઃ ગમે તે પ્લેટફોર્મની બસ ગમે ત્યાંથી ઉપડી જાય
કાલાવડના શીશાંગ રૂટની બસમાં વરસાદનું પાણી પડે છેઃ માધાપર બસ સ્ટેશનમાં હજૂ પંખાનો અભાવઃ એસ.ટી મુસાફર હીત રક્ષક સમિતિ દ્વારા એમ.ડી અને વિભાગીય નિયામકને લેખિત રજૂઆત

રાજકોટ તા.૨૪: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ ડેપો નો વહીવટ લાંબા સમયથી કથળી ગયો છે.
રાજકોટ એસ.ટી બસ પોર્ટ થાળી ભાંગીને વાટકો કરતા હવે કયારે કઈ બસ કયાં લાગી જાય અથવા પ્લેટફોર્મ ખાલી ન હોય તો સામેથી પણ ઉપડી જાય દાખલા તરીકે વાંકાનેરનું પ્લેટફોર્મ નંબર ૧૦ પર નામ છે પરંતુ વાંકાનેર ની બસો પ્લેટફોર્મ નંબર ૮, ૯,૧૦,૧૧,૧૨,૧૩ ગમે ત્યારે ગમે ત્યાં લાગી જાય આ જ રીતે કાલાવડ અથવા અન્ય રૂટની બસો પણ પાંચેક પ્લેટફોર્મ પર લાગતી હોવાને પગલે મુસાફરોને આમ થી તેમ સામાન અને પરિવાર સાથે કઈ બસ આવી છે તે જોવા જવું પડે છે એટલું જ નહીં પરંતુ બસમાં રૂટ બોર્ડ લગાવેલ ન હોવાને પગલે ભારે હાલાકી ભોગવવી પડે છે.
કાલાવડ તાલુકાના શિશાંગ ગામે જઈ રહેલ બસમાં ત્યારે રાજકોટ ડેપો ની બેદરકારી અને લાપરવાહી ના પગલે મુસાફરોને હાલાકી પડી રહી છે.મીની બસ રાજકોટ-કાલાવડ-રાજકોટ રૂટની બસ મોડી ઉપડે છે. બસમાં આગળ કે પાછળ કયાંય રૂટ બોર્ડ મારેલ ન હોવાથી કયા રૂટની બસ છે એ કહેવું મુશ્કેલ બને છે. બસની પાછળ કયા રૂટની બસ છે એ બોર્ડ હોતું જ નથી નજીવો વરસાદ આવે તો બસમાં છાપરામાંથી ઉપરથી પાણી પડતું હોય છે.
રાજકોટ ડેપો ભંગાર અને ખખડધજ બસો બંધ કરવા અને આ પ્રકારની ખામીયુક્ત બસો હોય તો મુસાફરોને પડેલી તકલીફ બદલ ડેપો મેનેજર ની કે હેડ મિકેનિક ની જવાબદારી ફિક્સ કરવા મુસાફરહિત રક્ષક સમિતિએ માંગણી ઉઠાવી છે.
બસ સ્ટેશનમાં પંખા મૂકવા લેખિત રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં બસપોર્ટ પર વધુ પંખા ન મૂકાતા મુસાફરોને ગરમીમાં શેકાવું પડે છે.
રાજકોટ ડેપોની રાજકોટ-કાલાવડ- રાજકોટ બસ અંગે ગુજરાત એસ. ટી ની વડી કચેરી માં એમ.ડીને અને રાજકોટના વિભાગીય નિયામકને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઉઠાવી છે.
(3:33 PM IST)










