News of Wednesday, 25th June 2025
કટોકટીના ૫૦ વર્ષઃ લોકશાહી બચાવવા રાજકોટના વીરોનો સંઘર્ષ
એક વ્યક્તિએ પોતાનું પદ ટકાવી રાખવા કટોકટી લાદી તે જિંદગીભર નહીં ભુલાયઃ હસુભાઈ દવે : રાજકોટના મજદૂર સંઘના યુવા નતાએ મીસા હેઠળ સવા વર્ષે જેલવાસ વેઠયો પણ હાર માની નહી

રાજકોટઃ ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી, જેણે ભારતીય લોકશાહીનું ગળું રૂંધી નાખ્યું. આ કલંકિત પ્રકરણ સામે દેશભરમાં અવાજ ઉઠ્યો. અનેક લોકોએ જેલવાસ, દમન અને અત્યાચારો સહન કરીને લોકશાહીને જીવંત રાખવા સંઘર્ષ કર્યો. રાજકોટના હસુભાઈ દવે એવા જ એક વીર છે, જેમણે આ યાદો વિશ્વ સંવાદ કેન્દ્ર, સૌરાષ્ટ્ર પ્રાંત સાથે વહેંચી.
હસુભાઈ દવે, જે ૧૯૭૫માં ૩૫ વર્ષના હતા, ભારતીય મજદૂર સંઘના યુવા નેતા અને જનસંઘના કાર્યકર હતા. તેઓ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને સામાજિક કલ્યાણ સમિતિના ચેરમેન હતા. કટોકટી લાગુ થતાં જનસંઘના કાર્યકર તરીકે તેમની ધરપકડ થઈ અને સાબરમતી જેલમાં મોકલાયા. તેમણે સવા વર્ષ જેલવાસ વેઠ્યો, પણ હાર ન માની. તેમના શબ્દોમાં, એક વ્યક્તિએ પોતાનું પદ ટકાવવા કટોકટી લાદી, તે જીવનભર નહીં ભૂલાય.
સાબરમતી જેલમાં રાજકોટના ૩૦થી વધુ કાર્યકરો હતા, જેમાં ડો. પી.વી. દોશી, અરવિંદભાઈ મણીયાર, વજુભાઈ વાળા, જનકભાઈ કોટક, રમેશભાઈ શુક્લ, જ્યોતિન્દ્ર મહેતા વગેરે સામેલ હતા. અમળતભાઈ કડીવાલા અને દિલાવરસિંહ રાણાની નિヘતિ દિનચર્યા પ્રેરણાદાયી હતી. જેલનું જીવન મુશ્કેલ હતું, ઘણા કેદીઓ માનસિક તણાવમાં હતા. મનોબળ જાળવવા હસુભાઈ હાસ્ય-મજાક દ્વારા વાતાવરણ હળવું રાખતા. સવારથી સાંજ સુધી રમતો, વક્તવ્ય અને ભજનનો ક્રમ નક્કી થયો હતો.
કટોકટીનો ભય એટલો હતો કે લોકો જેલમાં બંધ કાર્યકરોની ખબર લેવાથી ડરતા. અરવિંદભાઈ મણીયારનાં પત્ની હંસિકાબહેન અને અન્ય બહેનો નિયમિત ખબર પૂછવા આવતાં અને જરૂરી વસ્તુઓ પહોંચાડતાં. હસુભાઈ દવે (મો.૯૯૭૮૪ ૪૫૭૨૦) જેલર અને કેદીઓ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવતા.
૧૯૭૭માં કટોકટી ઉઠી, ચૂંટણી જાહેર થઈ અને કેદીઓ મુક્ત થયા. હસુભાઈ, અરવિંદભાઈ અને વજુભાઈ રાજકોટ પરત ફર્યા, જ્યાં ભવ્ય સ્વાગત થયું. હસુભાઈના મતે, કટોકટીએ લોકશાહીના મૂલ્યોનો હ્રાસ કર્યો, જે ઇતિહાસનું કલંકિત પળષ્ઠ છે.
આલેખનઃ
જગત વ્યાસ
રાજકોટ મહાનગર પ્રચાર પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(3:26 PM IST)










