<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ચારણીયા સમાજ દ્વારા શુક્રવારે પૂ.નાગબાઇમાંની શોભાયાત્રા

અષાઢી બીજના આ મહોત્‍સવમાં ગુજરાત, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્રથી ચારણીયા સમાજ રાજકોટમાં ઉમટશે : પરંપરાગત પહેરવેશમાં શોભાયાત્રામાં જોડાશે : શોભાયાત્રા પૂર્ણ થયે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૨૫ : સમસ્‍ત ચારણીયા સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્‍સવ નિમિતે તા. ૨૭ ના શુક્રવારે રાજકોટમાં પૂ. આઇશ્રી નાગબાઇમાંની દિવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચારણીયા સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આઇશ્રી નાગબાઇમાં લોકકલ્‍યાણ અર્થે પાવન ધરતી પર અવતર્યા અને અનેક પરચા અને લોકકલ્‍યાણના કાર્યો કર્યા. સમસ્‍ત સમાજને ઉજાગર કર્યો. જે ધ્‍યાનમાં લઇ સમસ્‍ત ચારણીયા સમાજ પૂ. નાગબાઇ માતાજીની આરાધના માટે દર અષાઢી બીજે મહોત્‍સવનું આયોજન કરે છે.

જે મુજબ આ વર્ષે પણ તા. ૨૭ ના શુક્રવારે પૂ. નાગબાઇમાંની ૧૪ ફુટ ઉંચી વિરાટ પ્રતિમા સાથેની શોભાયાત્રા યોજવામાં આવી છે. અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ કચ્‍છ અને રાજસ્‍થાન સુધીના ગામડે ગામડે વસતો ચારણીયા સમાજ રાજકોટના આ મહોત્‍સવમાં પધારશે. જબરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

આ શોભાયાત્રા સવારે ૧૦.૩૦ વાગ્‍યે કિશાનપરા ચોક, બાલભવન ગેઇટથી પ્રારંભ થશે અને જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, રોકડીયા હનુમાન મંદીર, મોટીટાંકી ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ ચોક, જયુબેલી ચોક, આર.ડી.સી. બેંક રોડ, ચૌધરી હાઇસ્‍કુલ ચોક, બહુમાળી ભવન ચોક થઇ પરત કિસાનપરા ચોક ખાતે પહોંચી સમાપન પાશે. શોભાયાત્રા પૂર્ણ થયે બપોરે ૧ વાગ્‍યે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા રાખેલ છે.

આ શોભાયાત્રામાં ચારણીયા સમાજના લોકો પરંપરાગત વષાો ધારણ કરીને જોડાશે. શોભાયાત્રાની આગળ વિરાટ ધર્મધ્‍વજ હશે. બાદમાં માતાજીનો સુશોભિત રથ હશે. ડી.જે.ના તાલે આદ્યશક્‍તિ જગદંબાની ગરબાવલીઓ ગુંજશે.

ચારણીયા સમાજ ઉપરાંત અન્‍ય જ્ઞાતિ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને સેવાભાવી સંસ્‍થાના હોદેદારો ઉપસ્‍થિત રહી આ શોભાયાત્રાને પ્રસ્‍થાન કરાવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ચારણીયા સમાજના લોકો દ્વારા છેલ્લા બે મહીનાથી જોરશોરથી તૈયારીઓ શરૂ કરાઇ છે. ચારણીયા સમાજના લોકોને કામ ધંધા બંધ રાખી પૂ. નાગબાઇમાની શોભાયાત્રામાં જોડાવા ખાસ અપીલ કરાઇ છે.

આ અંગેની વધુ માહીતી માટે મો.૮૧૬૦૬ ૦૨૭૭૨, મો.૯૯૭૪૦ ૦૫૮૨૯, મો.૯૯૦૯૯ ૯૬૯૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વરીમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચારણીયા સમાજના સર્વશ્રી પ્રવિણ ગોગીયા, દિનેશ ચૌહાણ, કિશોર ચૌહાણ, સુરેશ ગર, જયેશ ગર, યાજ્ઞિક ગોગીયા, કેતન આઠુ, રવિ બઢીયા, પ્રવિણ મોખરા, નરેશ ગોગીયા, ગોપાલ ખાણિયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:23 PM IST)