તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
સાંઢીયા પુલએ તોબા પોકારાવ્યાઃ હજી ૮-૯ મહિના કામ ચાલશે
છેલ્લા ૬ માસથી તંત્રમાંથી કોઇએ સાઇટ વીઝીટ કરવાની તસ્દી સુધ્ધા નથી લીધી!

રાજકોટ, તા. રપઃ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામો કરવામાં આવી રહયા છે, ત્યારે જામનગર હાઇવે સાથે રાજકોટને જોડતા સાંઢીયા પુલનું નિર્માણ કાચબાથી પણ ઓછી ગતિએ ચાલી રહયું હોય લોકોનો સમય અને ઇંધણ બરબાદ થઇ રહયા છે.
તંત્ર દ્વારા લોકોની મુશ્કેલી દુર કરવાના પ્રયત્નો પણ ઢીલા હોય તેમ હજી પણ આ બ્રીજનું કામ પુર્ણ થતા ૮ થી ૯ મહિના લાગે તેવી શકયતાઓ છે.
મહાપાલિકા દ્વારા જામનગર રોડ ઉપરના ૫૦ વર્ષથી વધુ જુનો સાંઢિયા પૂલ ડીસમેન્ટલ કરીને નવો ફલાયઓવર બ્રિજ બનાવવા માટે રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે એજન્સીને તા.૧૪- માર્ચ-૨૦૨૪થી સોંપવામાં આવ્યો હતો, આ પ્રોજેક્ટની સમયમર્યાદા બે વર્ષ છે.
દરમિયાન તાજેતરમાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાખાધિકારીઓની રિવ્યુ મીટિંગમાં આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓ અને ઇજનેરોને સુચના આપવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર સુમેરાએ છ માસ પૂર્વે ગત તા.૭-જાન્યુ.-૨૦૨૪ના રોજ પ્રોજેક્ટની વિઝિટ બાદ જાહેર કર્યું હતું કે સાંઢિયા પુલની કામગીરી પ્રગતિમાં છે અને પિલરના ફાઉન્ડેશન, પિયર કેપ તેમજ ગર્ડરની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
જો કે જાન્યુઆરી બાદ છેલ્લા છ મહિનામાં એક પણ તંત્ર વાહકે આ પ્રોજેક્ટની સાઇટ વિઝીટ કરી નથી. જેથી કામની પ્રગતિ ધીમી હોવાનું લોકમુખે ચર્ચાય રહયું છે.
(3:48 PM IST)










