તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
ડ્રાયફ્રુટના ભાવ આસમાને : ૫૦૦-૭૦૦ રૂપિયાનો વધારો
જન્માષ્ટમી અને શ્રાવણ પહેલા રાજકોટના બજારમાં ડ્રાયફ્રુટના ભાવમાં ૭૦ ટકાનો વધારો થયો છે બજારમાં ચાલતા ઊંચા ભાવને કારણે ગ્રાહકોના બજેટ પર અસર પડી રહી છે

રાજકોટ, તા.૨૫: જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારીમાં છે. આ સમયે વ્રત અને તહેવારોની મોસમમાં ડ્રાયફ્રુટની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. પરંતુ, ઈરાનપ્રઈઝરાયલ યુદ્ધના કારણે ડ્રાયફ્રુટની આયાત ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર ગુજરાતના બજારો પર જોવા મળી રહી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ડ્રાયફ્રુટના ભાવમાં ૭૦ ટકાનો વધારો નોંધાયો છે, જેનાથી ગ્રાહકો અને વેપારીઓ બંને ચિંતામાં છે.
ઈરાનથી આયાત થતા ડ્રાયફ્રુટ જેવા કે અંજીર, પિસ્તા, ખજૂર, કિસમિસ, બદામ અને મામરા બદામની સપ્લાય યુદ્ધના કારણે લગભગ બંધ થઈ ગઈ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને દરિયાઈ માર્ગોના અવરોધને કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ડ્રાયફ્રુટની આવક બંધ થતાં બજારમાં સ્ટોકની ખામી સર્જાઈ છે, જેના પરિણામે ભાવમાં ૫થી ૧૦ ગણો વધારો થયો છે.
રાજકોટના બજારમાં ડ્રાયફ્રુટના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલના ભાવની વાત કરીએ તો, રાજકોટમાં અંજીર ૧૫૦૦થી ૨૫૦૦ રૂપિયા પ્રતિ કિલો, મોળા પિસ્તા ૨૪૦૦થી ૨૬૦૦ રૂપિયા, ખારા પિસ્તા ૧૧૦૦થી ૧૬૦૦ રૂપિયા, કાળી દ્રાક્ષ ૪૦૦થી ૬૦૦ રૂપિયા, અમેરિકન અખરોટ ૬૦૦થી ૭૦૦ રૂપિયા, અમેરિકન ચિલ્લે અખરોટ ૯૦૦થી ૧૦૦૦ રૂપિયા, જરદારૂ ૮૦૦થી ૧૩૦૦ રૂપિયા, ખજૂર ૩૦૦થી ૨૪૦૦ રૂપિયા, કિસમિસ ૩૦૦થી ૬૦૦ રૂપિયા અને બદામ ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા પ્રતિ કિલો. આ ભાવમાં ૫૦૦થી ૭૦૦ રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે, જેના કારણે ડ્રાયફ્રુટની ખરીદી ગ્રાહકો માટે મોંઘી બની રહી છે.
ગ્રાહકોનું કહેવું છે કે ડ્રાયફ્રુટ ખરીદવું હવે લક્ઝરી બની ગયું છે. ખાસ કરીને જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાના તહેવારો નજીક આવી રહ્યા છે, જ્યારે ડ્રાયફ્રુટનો ઉપયોગ ઘરે-ઘરે વધે છે. પરંતુ આટલા ઊંચા ભાવને કારણે ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે. ગ્રાહકો માટે આ વધારો બજેટ પર ભારે પડી રહ્યો છે, અને તહેવારોની ઉજવણીને સરળ રીતે કરવી એક પડકાર બની ગયો છે. ડ્રાયફ્રુટના આ ઊંચા ભાવે ગ્રાહકોને ખરીદી મર્યાદિત કરવા મજબૂર કર્યા છે, જેની અસર તહેવારોની રોનક પર પણ પડી શકે છે.
જ્યાં બીજી તરફ રાજકોટના ડ્રાયફ્રુટ વેપારી દિપકભાઇ લોહાણા (દાણાપીઠ) જણાવ્યું હતું કે, ‘અગાઉ અમને ડેબિટમાં માલ મળી જતો હતો, પરંતુ હવે રોકડ ચૂકવવા છતાં માલ મળતો નથી. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, અને બજારમાં સ્ટોકની ખામી છે.' નાના વેપારીઓને આનાથી નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે, કારણ કે તેઓ ઊંચા ભાવે માલ ખરીદવા મજબૂર છે, અને ગ્રાહકોની ખરીદી ઘટી રહી છે. શ્રાવણ મહિનામાં માંગ વધવાની સંભાવના હોવા છતાં, સ્ટોકની અછતને કારણે વેપારીઓ મુશ્કેલીમાં છે.
મહત્વનું છે કે, યુદ્ધના તણાવ વચ્ચે ડ્રાયફ્રુટ એસોસિએશન અને વેપારીઓએ વૈકલ્પિક સપ્લાય રૂટ શોધવાની શરૂઆત કરી છે. યુક્રેન અને કઝાકિસ્તાન જેવા દેશો તરફ વેપારીઓનું ધ્યાન ગયું છે, પરંતુ ત્યાં પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ડ્રાયફ્રુટ એસોસિએશનના જણાવ્યા મુજબ, જો યુદ્ધની સ્થિતિ લાંબો સમય ચાલશે તો ભાવમાં વધુ વધારો થઈ શકે છે, જેની સીધી અસર તહેવારોની ખરીદી પર પડશે.
(3:49 PM IST)










