<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

પંજાબ નેશનલ બેંકના એ.સી.ના આઉટરમાંથી ત્રણ શખ્‍સો બે વખત કોપરવાયર ચોરી ગયા

વિરાણી ચોક મ્‍યુ. કમિશનરના બંગલા પાસે બનાવઃ એ-ડિવીઝન પોલીસે ફુટેજને આધારે તપાસ આદરી

રાજકોટ તા. ૨૫: શહેરના વિરાણી ચોક મ્‍યુ. કમિશનરના બંગલો નજીક આવેલી પંજાબ નેશનલ બેંકના બિલ્‍ડીંગના એ.સી.ની બહારની સાઇડના આઉટરમાંથી ત્રણ અજાણ્‍યા શખ્‍સો નવ દિવસમાં બે વખત કુલ અઢાર હજારનો કોપર વાયર ચોરી ગયા છે. આ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે જાગનાથ પ્‍લોટ-૨૫ના ખુણે રામકૃષ્‍ણ આશ્રમ સામે રહેતાં અને વિરાણી ચોક મ્‍યુ. કમિશનરના બંગલો પાસે આવેલી પંજાબ નેશનલ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં નુતનકુમારી અનુપમ રાજવંશીની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. નુતનકુમારી રાજવંશીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પંજાબ નેશલન બેંકમાં નોકરી કરુ છું. અમે બેંક ખાતે સાત એ.સી. લગાવેલા છે જેમાં એ.સી.ના આઉટર બેંકની બહારની તરફ છે. ગત ૧૪મી તારીખે સવારે મને બેંકના સેકન્‍ડ બ્રાંચ મેનેજર અંકુર પરમારે ફોન કરી જાણ કરી હતી કે બેંકની બહારના ભાગે એ.સી.ના આઉટર છે તેમાં કોઇને તોડફોડ કરી છે. આથી અમે બેંકના સીસીટીવી કેમેરા ચેક કરતાં રાતે બે વાગ્‍યા આસપાસ ત્રણ શખ્‍સો આઉટર તોડી તેમાંથી કોપરનો વાયર ચોરી કરી જતાં દેખાયા હતાં.

આથી મેં અંકુર પરમારને પોલીસ ફરિયાદ આપવાનું અને તોડેલા આઉટરનું રિપેરીંગ કરાવવા કહ્યુ઼ હતું.

દરમિયાન રિપેરીંગ ચાલુ હતું ત્‍યારે ૨૩મીએ હું બેંક ખાતે જતાં રિપેર કરવા આવેલા વ્‍યક્‍તિએ કહેલુ કે આઉટરનું જેટલુ કામ કર્યુ છે તે ફરીથી કોઇએ અસ્‍તવ્‍યસ્‍ત કરીને કોપર વાયર પણ ચોરી લીધો છે. આથી મેં અમારા સર્કલ ઓફિસર સંદિપ સરકારને જાણ કરતાં તેણે આજે ઝોનલ ઓફિસરની વિઝીટ હોઇ પછી ફરિયાદ કરશું તેમ કહ્યું હતું. વિઝીટનું કામ પુરૂ થયા બાદ અમે પોલીસને જાણ કરી હતી. ૧૪મીએ કોપર વાયર ચોરી કરવામાં ત્રણ શખ્‍સો કેમેરામાં દેખાયા હતાં. જ્‍યારે ૨૨/૬ના રોજ કોપર વાયર ચોરાયો તેમાં એક શખ્‍સ કેમેરામાં દેખાયો હતો. જે સવારે પોણા પાંચ વાગ્‍યા આસપાસ ચોરી કરવા આવ્‍યો હતો. આ રીતે અજાણ્‍યા શખ્‍સો બે વખત એ.સી.ના આઉટરનો કુલ ૧૮ હજારનો કોપર વાયર ચોરી ગયા હતાં. તેમ વધુમાં નુતનકુમારીએ જણાવતાં પીએસઆઇ એમ. આર. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:30 PM IST)