તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
પૂર્વ પતિએ પોતાની હવસ સંતોષવા તમામ હદો પાર કરી નાખી
રાજકોટનો ચોંકાવનારો કિસ્સો:છૂટાછેડા બાદ પણ પૂર્વ પતિ પત્ની સાથે લિવઈનમાં રહેતો હતો અને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો

રાજકોટ,તા.૨૫
રાજકોટઃ શહેરમાં ૩૦ વર્ષીય છૂટાછેડા લેનારી મહિલા દ્વારા પોતાના પૂર્વ પતિ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૩૫૧ (૩), ૬૪(૨)(M) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. મહિલા દ્વારા પોતાના પતિ સાથે લગ્નજીવનમાં પણ બનાવ બનતા છૂટાછેડા લેવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ પોતાના પુત્રની દેખરેખ કરવા માટે પોતાના પૂર્વ પતિ સાથે લિવ ઇન રિલેશનશિપ કરાર કર્યો હતો. જે દરમિયાન મહિલાના પૂર્વ પતિ દ્વારા તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેમજ જો મહિલા શારીરિક સંબંધ બાંધવા નહીં આપે તો તેને તેમજ તેના પુત્રને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
પોલીસને આપેલી ફરિયાદમાં ૩૦ વર્ષીય મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાના લગ્ન વર્ષ ૨૦૧૯માં થયા હતા. તેમજ વર્ષ ૨૦૨૨ માં લગ્નજીવન થકી પોતાને દીકરાનો જન્મ થયો હતો. પરંતુ ત્યારબાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ રાજકોટ ખાતે છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ ત્રણ વર્ષનો દીકરો તેના પિતા સાથે રહેતો હતો. ત્યારબાદ દીકરાના કારણે મહિલાએ ૧૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પોતાના પૂર્વપતિ સાથે લિવ ઇન રિલેશનશિપ કરાર કર્યો હતો. છૂટાછેડા થયાના માત્ર પાંચ દિવસમાં જ મહિલાએ કરાર કર્યો હતો.લિવ ઇન રિલેશનશિપ કર્યા બાદ મહિલાને તેના પૂર્વ પતિએ કહ્યું હતું કે, જો તું મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો હું તને તારા દીકરાને મળવા નહીં દઉં. તેમજ તમને બંનેને પતાવી દઈશ. હવે મેં તારી સાથે કાયદેસરના છૂટાછેડા લઈ લીધા છે, જેથી તું હવે મારું કંઈ પણ ખરાબ નહીં કરી શકે. આમ કહીને મહિલાને તેના પૂર્વ પતિ દ્વારા ધમકી આપવામાં આવી હતી. તેમજ ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૫માં અમદાવાદ ખાતે મહિલા સાથે તેના પૂર્વ પતિએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પરત આવીને રાજકોટ ખાતે પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
લિવ ઇન રિલેશનશિપ દરમિયાન મહિલાનો મોબાઈલ નંબર પણ તેના પૂર્વ પતિએ બંધ કરાવીને નવો નંબર અપાવ્યો તેમજ તે દરમિયાન મહિલાને તેના માતાપિતા સાથે વાતચીત કરવાની પણ ના પાડી હતી. જાન્યુઆરી ૨૦૨૫માં મારા પિતાને અકસ્માત થતાં મેં મારા પૂર્વ પતિને મારા પિતાજીની ખબર પૂછવા સારું જોવા માટે કહેતા તે મને મારા માવતરના ઘરે મને મૂકી ગયો હતો. તેમજ ત્યારબાદ મને મારા પિયર ખાતેથી લેવા ન આવી મને લિવ ઇન રિલેશનશિપ કરારમાંથી છૂટા કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેથી ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ લિવ ઇન રિલેશનશિપ કરાર પૂરો કર્યો હતો.
(10:14 PM IST)










