<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અટલ સરોવર વિસ્‍તારમાં ડ્રેનેજ કામમાં ગેસલાઇનમાં ભંગાણ : આગ ભભૂકી

મશીન અડધુ સળગ્‍યુ : તાત્‍કાલીક કામ અટકાવાયુ : કોઇ જાનહાની નહીં

 

 

રાજકોટ, તા. ર૬ : શહેરના નવા ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલ અટલ સરોવર પાસે આજે સવારે ૧૦ કલાકે ડ્રેનેજ લાઇનના કોન્‍ટ્રાક્‍ટરે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જતા ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. સમય સૂચકતા વાપરી હિટાચી મશીનનો ડ્રાઇવર કૂદી ગયો હતો. જેના કારણે કોઇ જાનહાની થવા પામી ન હતી. જો કે, હિટાચી મશીન અડધું સળગી ગયું હતું. તાત્‍કાલીક અસરથી કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડ શાખા અને ગેસ એજન્‍સીને જાણ કરવામાં આવતા યુદ્વના ધોરણે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ અંગે મનપાના સતાવાર સુત્રોના જણાવ્‍યા મુજબ  શહેરના વોર્ડ નં.૧માં અટલ સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં આવેલા અટલ સરોવરના મુખ્‍ય ગેઇટથી લઇ જામનગર રોડ સુધીના વિસ્‍તારમાં ૩૦૦ મીમીની ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. રૂ.૭.૨૮ કરોડનું આ કામ શ્રી ધેનુ કન્‍સ્‍ટ્રક્‍શન નામની એજન્‍સીને સોંપવામાં આવ્‍યું છે. આજે સવારે એજન્‍સીના માણસો દ્વારા અટલ સરોવરના ગેઇટ પાસે હિટાચી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્‍યારે મશીનનો આગલો ભાગ જમીનની અંદરથી પસાર થતી ગેસ લાઇનને અડી જતા લાઇન તૂટી જવા પામી હતી અને અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સમય સૂચકતા વાપરી હિટાચીનો ડ્રાઇવર કૂદી પડ્‍યો હતો. જેના કારણે તેને કોઇ ઇજા થવા પામી નથી. જો કે, હિટાચી મશીન અડધાથી વધુ સળગી ગયું છે. ગેસ લાઇન તૂટી હોવાની અને આગ ભભૂકી હોવાની જાણ ફાયર બ્રિગેડ શાખા અને ગુજરાત ગેસ એજન્‍સીને કરવામાં આવતા તાત્‍કાલીક ધોરણે તેઓના માણસો દોડી આવ્‍યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. હિટાચી મશીન કામ કરી શકે તેવી સ્‍થિતિમાં ન હોય ડ્રેનેજ લાઇન નાંખવા માટે ખોદકામની કામગીરી તાત્‍કાલીક અસરથી અટકાવી દેવામાં આવી છે. આગ વિકરાળ હોવાના કારણે દૂર-દૂર સુધી આગની જ્‍વાળા અને ધુંવાડા દેખાતા હતા. લોકોમાં પણ ભારે ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો હતો. (૯.ર૪)

 

(2:51 PM IST)