News of Saturday, 28th June 2025
ગોંડલ રોડ ખોડિયાર હોટલ પાસે ગાય આડી આવતાં છકડો પલ્ટી ખાઇ જતાં અશોકભાઇ નિમાવતનું મોત
શાપરથી ફેરો કરી પરત આવતી વખતે બનાવઃ રાજદિપ સોસાયટીના પરિવારમાં ગમગીનીઃ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૮: ગોંડલ રોડ પર ખોડિયાર હોટલથી વાવડીના રસ્તા પર રસ્તામાં ગાય આડી આવી જતાં છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં ચાલક રાજકોટના વૃધ્ધને ગંભીર ઇજા થતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ મવડી વિસ્તારના ચાલીસ ફુટ રોડ પર રાજદિપ સોસાયટીમાં બી-૩૬૫માં રહેતાં અશોકભાઇ કલ્યાણદાસ નિમાવત (ઉ.વ.૬૦) ગત સાંજે છકડો રિક્ષા હંકારી માલસામનનો ફેરો કરવા શાપર ગયા હતાં. ત્યાંથી પરત રાજકોટ ઘર તરફ આવતાં હતાં ત્યારે ખોડિયાર હોટેલથી વાવડી તરફના રસ્તા પર સર્વોદય હાઇટ્સ પાસે પહોંચતા અચાનક રસ્તા પર ગાય આવી જતાં છકડો રિક્ષા પલ્ટી મારી જતાં અશોકભાઇને ગંભીર ઇજા થઇ હતી.
બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ને જાણ કરતાં અશોકભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતાં. જો કે સારવાર દરમિયાન અશોકભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર અશોકભાઇ પાંચ ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્તિસિંહે જાણ કરતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:50 AM IST)










