News of Saturday, 28th June 2025
ગુજરાતમાં કયાંય ચંદ્રદર્શન થયુ નહીં: મુંબઇથી ગવાહી લેવામાં આવીઃ ‘અકિલા'નો ૮ દિ' પહેલાનો અહેવાલ સાચો ઠર્યો
૩ વર્ષની પરંપરા તૂટશે અને જિલહજજ માસના ર૯ દિ' જ થશે, એ શબ્દો સંપૂર્ણ પણે સાચા ઠર્યાઃ આવતા રવિવારે આશૂરાહ

રાજકોટ તા. ર૮ :.. પરમ દિવસે ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ હોવાના લીધે કયાંય પણ ચંદ્ર દર્શન આકાશમાં શકય થયેલ નહીં અને મહારાષ્ટ્ર-ઉત્તર પ્રદેશ - બિહાર સહિતના અન્ય પ્રાંતોમાં ચંદ્ર દર્શન સ્વચ્છ-સ્પષ્ટ થઇ જતા ગત તા. ૧૯-૬-ર૦રપ ને ગુરૂવારના ‘અકિલા' દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ. મહોર્રમ માસ પૂર્વેનો અહેવાલ ફરી એકવાર સંપૂર્ણ સત્ય ઠર્યો છે.
જો કે મુંબઇમાં થયેલ ચંદ્ર દર્શન થકી આજે શનિવારે ‘ગવાહી' ચંદ્ર દર્શન માટેની સૌરાષ્ટ્ર પહોંચતા સૌરાષ્ટ્રમાં પણ ૧લી મહોર્રમ શુક્રવારના દિવસથી ગણવામાં આવી હતી. જે બાબત પણ રપ મીના પૂર્વ અહેવાલને સમર્થન મળ્યું છે. જો કે સિનિયર પત્રકાર ફાઇખના ઉકત પૂર્વ અહેવાલમાં ચંદ્ર દર્શનનો અભાવ સર્જાવાની શકયતા હોવાનું લખાયેલ તે સત્ય ઠર્યું છે. જયારે વિશેષ તો એ છે કે, આ અહેવાલમાં છેલ્લા ત્રણ વર્ષથી ઇસ્લામી માસ જિલ હજજના ૩૦ દિ' પૂરા થવાની પરંપરા આ વખતે તૂટશે અને ર૯ દિ' જ થશે. એ શબ્દો સંપૂર્ણપણે અક્ષરસઃ સત્ય ઠર્યા છે.
બીજી તરફ ગુરૂવારે સાંજે ચંદ્ર દર્શન શકય નહી થતા અને પરપ્રાંતમાં ચંદ્ર દર્શન થયેલ હોઇ તેની ગવાહી તુર્ત મળવી શકય ન હોઇ મહોર્રમ માસની પ્રથમ રાત્રિ એટલે કે ગુરૂવારના રાત્રીના કેટલાક સ્થળોએ ૧૦ દિ'ની હુસૈની મજાલિસો શરૂ કરી દેવાઇ હતી. જો કે, શુક્રવારે રાત્રીથી મહોર્રમ માસની રોશની શરૂ થઇ જતા હવે આવતા રવિવારે આશૂરા મનાવાશે. જાણવા મળ્યા મુજબ સુરતના લોકો મુંબઇ ગવાહી લેવા ગયેલ અને ત્યાં જામનગરના લોકો ગવાહી લેવા ગયેલ જેથી આજે વ્હેલી સવારે ગવાહી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ રીતે પહોંચી છે. તસ્વીરમાં ૧૯ જુને પ્રસિધ્ધ થયેલ મહોર્રમ માસના ૮ દિ' પૂર્વના અહેવાલની પ્રતિકુતિ છે.
(11:54 AM IST)










