News of Saturday, 28th June 2025
૧ii વર્ષની પાર્થવી રમતાં રમતાં પ્લાસ્ટીકની દડી ગળી ગઇઃ શ્વાસ રૂંધાઇ જવાથી મોત
અલગ અલગ બે હોસ્પિટલમાં ખસેડાઇ પણ જીવ ન બચ્યોઃ રામધણ પાસે રહેતાં ચાવડા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: માસુમ બાળકો રમતાં રમતાં ઘણીવાર મુશીબતને નોતરી લેતાં હોય છે. આવી વધુ એક ઘટનામાં દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. મવડી રામધણ પાસે ધનંજય પેરેડાઇઝમાં રહેતાં પરિવારની બાળકી રમતાં રમતાં પ્લાસ્ટીકની દડી ગળી જતાં શ્વાસ રૂંધાઇ જવાથી તેણીનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ મવડી ધનંજય હાઇટ્સમાં રહેતાં તેજસભાઇ ચાવડા અને કિંજલબેન ચાવડાની દિકરી પાર્થવી (ઉ.વ.૧ાા) ગયા મંગળવારે ઘરે રમતી હતી ત્યારે પ્લાસ્ટીકની એક દડી મોઢામાં મુકી દેતાં તે ગળી ગઇ હતી. આ પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા રડવા માંડતાં માતા-પિતાનું ધ્યાન જતાં તુરત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તબિબે ઓપરેશન કરી દડી તો બહાર કાઢી લીધી હતી. પરંતુ પાર્થવી ભાનમાં આવી શકી નહોતી.
વધુ સારવાર માટે તેણીને ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ આજે સવારે તેણીનું મૃત્યુ થતાં ચાવડા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ દ્વારા એ-ડિવીઝનને જાણ થતાં તાલુકા પોલીસને નોંધ કરાવાઇ હતી. પાર્થવીના પિતા તેજસભાઇ ચાવડા કારખાનામાં મજૂરી કરે છે. એકની એક દિકરીના મોતથી તેઓ ભાંગી પડયા હતાં. પોલીસે જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(2:32 PM IST)










