<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પારેવડી ચોકમાં ફુલ વેંચતો યુનુસ માદક પદાર્થ પીવા-વેંચવાના રવાડે ચડયોઃ ૧.૬૮ લાખના ગાંજા સાથે ઝડપાયો

ભગવતીપરા જયપ્રકાશનગરમાં દરોડોઃ મહારાષ્‍ટ્રનો શખ્‍સ આપી જવાતો હોવાનું રટણ :શહેર એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધ્રાંગુની ટીમે પકડયોઃ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, અનોપસિંહ ઝાલાની બાતમીઃ બી-ડિવીઝન પોલીસ દ્વારા રિમાન્‍ડની તજવીજ

રાજકોટ તા. ૨૮: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી ભગવતીપરા જયપ્રકાશનગર-૧૬/૯ના ખુણે રહેતાં યુનુસ અલ્લારખાભાઇ ઘેલડ (ઉ.વ.૪૧)ને તેના ઘર નજીક ઓરડીમાંથી રૂા. ૧,૬૮,૭૭૦ના ૧૬.૮૭૭ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો છે. આ શખ્‍સ પારેવડી ચોકમાં ફુલ-હારનો ધંધો કરે છે. પોતે પણ નશાની આદત ધરાવતો હોઇ હવે ગાંજો વેંચવાના રવાડે ચડી ગયો હતો. મહારાષ્‍ટ્રથી કોઇ ગ્રીનલેન્‍ડ ચોકડી સુધી આવીને આ ગાંજો આપી જતું હોવાનું રટણ યુનુસ કરતો હોઇ પોલીસે સાચી વિગતો ઓકાવવા રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

શહેર એસઓજીની ટીમ નશીલા પદાર્થનું વેંચાણ, હેરાફેરી કે સેવન થતું અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્‍સ' ઝુંબેશ હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને કોન્‍સ. અનોપસિંહ ઝાલાને બાતમી મળતાં જયપ્રકાશનગરમાંથી યુનુસને દબોચી લીધો હતો. તેની પાસેથી મળેલો પદાર્થ ગાંજો હોવાનું પરિક્ષણ એફએસએલ અધિકારી પાસે કરાવ્‍યા બાદ તેના વિરૂધ્‍ધ બી-ડિવીઝનમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો. યુનુસ પાસેથી ૧,૬૮,૭૭૦નો ગાંજો મળી આવતાં તે તથા ૫ હજારનો મોબાઇલ ફોન અને ૪૫૦ રોકડા કબ્‍જે કરાયા હતાં.

પ્રાથમિક પુછતાછમાં યુનુસે રટણ કર્યુ હતું કે પોતે પારેવડી ચોકમાં ફુલ, હારનો ધંધો કરે છે. ગાંજાનો નશો કરવાની આદત પડી ગઇ હોઇ હવે પોતે જ મહારાષ્‍ટ્રથી મંગાવીને પીવે છે અને થોડો વેંચી નાંખે છે. ફુલ, હારની કમાણીમાં પુરુ પડતું ન હોઇ ગાંજો વેંચી રૂપિયા ભેગા કરી લગ્ન પણ કરવાનો ઇરાદો હતો. જો કે તેની કેફીયતમાં કેટલુ તથ્‍ય છે? તે જાણવા આગળની તપાસ બી-ડિવીઝન પોલીસ કરશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્‍સ. ફિરોઝભાઇ રાઠોડ, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, મહાવીરસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર અને ડ્રા.કોન્‍સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)

(2:35 PM IST)