<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

રોટરી મીડટાઉન દ્વારા ડોનેશનની આવેલ રકમમાંથી સરકારી શાળામાં નોટબુક વિતરણ

૪૦૦૦ બાળકોની આંખોની તપાસ અને ૪૦૦ બાળકોને ચશ્‍માનું વિનામુલ્‍યે આયોજનઃ ૩૦૦૦ બાળકોના દાંતની તપાસ અને કિટ વિતરણઃ રોટરી ક્‍લબ ઓફ રાજકોટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અને સ્‍વાસ્‍થ્‍ય માટેની દરકાર કરતાં સેવાકાર્યો

રાજકોટ, રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા ‘‘સાયકલોફન''નું આયોજન કરાયું હતું. જેમાં આવેલ ડોનેશન કોર્પોરેશનની શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્‍યે કુલ ૨૯,૦૦૦ નોટબુકનું વિતરણ કરાઈ રહ્યું છે. હાલ શાળા પ્રવેશોત્‍સવ ચાલી રહ્યો છે તે દરમિયાન નવા દાખલ થનાર અને અભ્‍યાસ કરી રહેલા તમામ બાળકોને આ બુક આપવામાં આવી રહી છે. અત્‍યાર સુધીમાં ૨૭ શાળાના બાળકોને વિનામુલ્‍યે નોટબુક આપવામાં આવી છે. નોટબુક વિતરણની વ્‍યવસ્‍થા માટે નિયો રાજકોટ ફાઉન્‍ડેશન અને તેના કાર્યકરોએ જહેમત ઉઠાવી હોવાનું ક્‍લબની એક યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્‍યા મુજબ રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા જરૂરિયાતમંદ બાળકોના આંખની તપાસના કેમ્‍પનું આયોજન પણ કરાયું હતું. જેમાં ૪,૦૦૦ થી વધુ બાળકોની આંખની તપાસ કરી જે બાળકોની આંખોમાં નંબર જાણાયા તેની તપાસ કરી યોગ્‍ય નંબરના ચશ્‍મા વિનામૂલ્‍યે બનાવી આપવામાં આવ્‍યા. આંખની કાળજી અંગે બાળકોને માર્ગદર્શન અપાયુ હતું. જ્‍યારે આંખની ગંભીર બીમારી હતી તેના વાલીને બોલાવીને તેને યોગ્‍ય સલાહ સૂચન આપવામાં આવી હતી. ૪૦૦ જેટલા બાળકોને આંખના નંબરના ચશ્‍મા અપાયા છે અને ભવિષ્‍યમાં પણ આ કાર્ય ચાલુ રહેશે. વિવિધ શાળાના ૭,૦૦૦ બાળકોને દાંતની જાળવણી અંગે માર્ગદર્શન આપી ડેન્‍ટલ હાઇજિન કીટનું વિતરણ કરાયું હતું. ૩,૦૦૦ જેટલા બાળકોની દાંતની તપાસ વિનામૂલ્‍યે કરવામાં આવી હતી અને ૧૦૦ જેટલા બાળકોને દાંતની સારવાર કરી આપવામાં આવી હતી.  ક્‍લબની યાદી મુજબ જુલાઇ થી જુલાઈ દરમિયાન ક્‍લબનું નવું વર્ષ હોય શાળાના બાળકો માટે ઉપરોક્‍ત કાર્યક્રમો રોટરી મીડટાઉનની ટીમ દ્વારા કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત વર્ષ દરમિયાન મેડિકલ કેમ્‍પ, શિક્ષણ સહાય, વાંચન સહિત સંખ્‍યાબંધ પ્રવળતિઓ રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા કરાઇ હોવાનું જણાવાયું છે.

(2:43 PM IST)