News of Saturday, 28th June 2025
અષાઢી બીજે રાજકોટમાં ૧૦૦ કરોડથી વધુના વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ
શહેરમાં એક જ દિવસમાં ૧૫૦૦ ટુ-વ્હીલર અને ૭૦૦થી વધુ ફોર-વ્હીલરનું વેચાણ થયું: લોકોએ વાહનની ખરીદી કરતા મંદીથી પીડાતા વેપારીઓના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું : એક અંદાજ મુજબ, ટુ-વ્હીલરમાં રૂ.૧૫ કરોડ અને ફોર-વ્હીલરમાં રૂ.૮૫-૯૦ કરોડનો વેપાર થયો, જેમાં રૂ.૭ લાખથી ૩૫ લાખની કિંમતની કારોની માંગ સૌથી વધુ રહી

રાજકોટ, તા.૨૮: હિન્દુ શાષાોમાં અષાઢી બીજને અત્યંત શુભ દિવસ ગણવામાં આવે છે, અને આ વર્ષે પુષ્ય નક્ષત્ર તેમજ સિદ્ધિ યોગનો સુમેળ વેપારીઓ માટે ‘સોનામાં સુગંધ' સમાન સાબિત થયો. રાજકોટ શહેરમાં અષાઢી બીજના શુભ દિવસે લોકોએ ભગવાનના આશીર્વાદ સાથે નવી શરૂઆત કરી, જેના પરિણામે શહેરમાં એક જ દિવસમાં ૧૫૦૦ ટુ-વ્હીલર અને ૭૦૦થી વધુ ફોર-વ્હીલરનું વેચાણ થયું, જેની કુલ કિંમત રૂ.૧૦૦ કરોડથી વધુ રહી.
શહેરના ૨૩થી વધુ ટુ-વ્હીલર અને ૨૦થી વધુ ફોર-વ્હીલર શોરૂમમાં સવારથી જ ખરીદદારોની ભીડ જોવા મળી. ટાટા, મારૂતિ, હ્યુન્ડાઈ, નિસાન, મહિન્દ્રા, કિયા, હેક્ટરથી લઈને પ્રીમિયમ બ્રાન્ડ્સ જેવી કે ઓડી, મર્સીડીઝ, બીએમડબલ્યુ, લેન્ડ રોવર, ટોયોટા, અને સ્કોડા સુધીની દરેક બ્રાન્ડ પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને સ્કીમ્સ ઓફર કરવામાં આવી. આ ડિસ્કાઉન્ટે ગ્રાહકોને નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા. એક અંદાજ મુજબ, ટુ-વ્હીલરમાં રૂ. ૧૫ કરોડ અને ફોર-વ્હીલરમાં રૂ.૮૫-૯૦ કરોડનો વેપાર થયો, જેમાં રૂ.૭ લાખથી ૩૫ લાખની કિંમતની કારોની માંગ સૌથી વધુ રહી.
ઘણા ખરીદદારોએ અષાઢી બીજના શુભ મુહૂર્તનો લાભ લેવા માટે અગાઉથી જ વાહનોનું બુકિંગ કરાવી રાખ્યું હતું. આના કારણે આ દિવસે રજિસ્ટ્રેશન, ટેક્સ ભરવો, અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને ગ્રાહકો તેમના નવા વાહનો ઘરે લઈ ગયા. શોરૂમ માલિકોએ પણ આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ યોજનાઓ રજૂ કરી, જેનો લોકોએ ભરપૂર લાભ લીધો, તેમ ન્યૂઝ ૧૮ જણાવે છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રૂ. ૫૦ લાખથી વધુની કિંમતની ઓડી, બીએમડબલ્યુ, મર્સીડીઝ, અને લેન્ડ રોવરની ૧૨થી વધુ કારો વેચાઈ. આ ઉપરાંત, ટોયોટા અને સ્કોડા જેવી બ્રાન્ડ્સે પણ ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિયતા મેળવી. ખાસ કરીને, શોરૂમના માલિકોએ રજૂ કરેલી ડિસ્કાઉન્ટ સ્કીમ્સે ગ્રાહકોને આકર્ષ્યા, જેના કારણે વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.આંતરરાષ્ટ્રીય યુદ્ધ વિરામ અને શેરબજારની સ્થિરતાએ બજારમાં આશાનું વાતાવરણ સર્જ્યું છે. ગયા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહેલા વેપારીઓના ચહેરા પર અષાઢી બીજના દિવસે ફરી એકવાર સ્મિત જોવા મળ્યું. આ દિવસે થયેલા રેકોર્ડબ્રેક વેચાણે ઓટોમોબાઈલ સેક્ટરમાં નવો ઉત્સાહ ફેલાવ્યો છે.
અષાઢી બીજનો દિવસ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નવા કાર્યોની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે ખેડૂતો વાવણીની શરૂઆત કરે છે, અને વેપારીઓ નવા વ્યવસાય કે ખરીદી માટે આ દિવસને પસંદ કરે છે. આ વર્ષે પુષ્ય નક્ષત્ર અને સિદ્ધિ યોગના સંયોગે આ દિવસ વધુ શુભ બન્યો, જેનો લાભ રાજકોટના વેપારીઓ અને ગ્રાહકો બંનેએ લીધો. (રર.૧૭)
(2:53 PM IST)










