<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

બેડીમાં ભાઇ-બહેનના ડૂબી જતાં મોત

રમતાં રમતાં વોંકળામાં ન્‍હાવા ગયા બાદ કરૂણ ઘટનાઃ વાછકપર બેડીમાં નિલેષભાઇની વાડીમાં રહી મજૂરી કરતાંમુળ મધ્‍યપ્રદેશના કાળુ માવી વતન ગયા છેઃ બાળકો માતા પાસે હતાં: ઘટનાથી મજૂર પરિવાર પરિવાર અને ગામમાં અરેરાટીઃ અઢી વર્ષનો જગદીશ ડૂબવા માંડતા પાંચ વર્ષની બહેન ભાવના ઉર્ફ ભાવલી બચાવવા જતાં તે પણ પાણીમાં ગરકઃ ગામલોકોએ બહાર કાઢી હોસ્‍પિટલે ખસેડયા પણ મૃતદેહ જ પહોંચ્‍યા

 

 

રાજકોટ તા. ૨૮: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા વાછકપર બેડી ગામમાં વોંકળાના પાણીમાં ન્‍હાવા જતાં ડૂબી જવાથી અઢી વર્ષના ભાઇ અને પાંચ વર્ષની બહેનના મોત નિપજતાં મજૂર પરિવાર અને ગામમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ વાછકપર બેડીમાં નિલેષભાઇ ભંડેરીની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના કાળુભાઇ માવીનો પુત્ર જગદીશ માવી (ઉ.વ.૨ાા) તથા તેની પુત્રી ભાવના ઉર્ફ ભાવલી માવી (ઉ.વ.૫) ગામમાં આવેલા વોંકળાના પાણીમાં ડૂબી જતાં ગામલોકોએ બંને માસુમને બેભાન હાલતમાં બહાર કાઢી ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. અહિથી બંનેને ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં લઇ જવાયા હતાં. પરંતુ બંને ભાઇ-બહેનને તબિબે મૃત જાહેર કર્યા હતાં. આ અંગેની જાણ એ-ડિવીઝન પોલીસને કરવામાં આવતાં  ત્‍યાંથી કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.

વધુ માહિતી મુજબ કાળુભાઇ માવી તેની બીજી ઘરવાળી મનિષા સાથે પાંચેક વર્ષથી વાછકપર બેડીની વાડીમાં રહે છે. તેને પ્રથમ પત્‍નિ થકી ત્રણ દિકરા અને એક દિકરી છે. જ્‍યારે મૃત્‍યુ પામનાર બંને સંતાન બીજી ઘરવાળી મનિષા થકી હતાં. કાળુભાઇ કામ સબબ તેના વતન મધ્‍યપ્રદેશ ગયા છે. બાળકો તેની માતા પાસે હતાં. અહિથી સવારે રમવા નીકળ્‍યા બાદ વોંકળામાં ડૂબી ગયા હતાં. નાનો ભાઇ ન્‍હાવા પડતાં ડૂબવા માંડતા મોટી બહેન બચાવવા જતાં તે પણ ડૂબી ગયાની પ્રાથમિક વિગતો ખુલી હોઇ કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મજૂર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો અને ગામમાં પણ અરેરાટી વ્‍યાપી ગઇ હતી. (૧૪.૧૧)

(2:54 PM IST)