News of Saturday, 28th June 2025
જુવેનાઇલ ડાયાબિટીસ એજયુકેશન કેમ્પ : બાળકો અને વાલીઓમાં આશા અને સશક્તિકરણનો સંચાર
મારી ઉણપજ મારી તાકાત : ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે મેગા ચેક-અપ કેમ્પ તેમજ ડાયાબિટીક બાળકને રૂ.૨૫૦૦ની કિંમતની મેડિકલ કીટ ભેટ અપાઈ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ બાળકોને આર્શીવચન પાઠવ્યા : પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ : જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે બે-દિવસીય મેગા ચેક-અપ અને એજયુકેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં થતા ટાઇપ-૧ ડાયાબિટીસના નિયંત્રણ અને અસરગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે સારવાર પૂરી પાડીને તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ ડાયાબિટીસ સંબંધિત એક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન, અમદાવાદની વિમાન દુર્દ્યટનામાં ભોગ બનેલા દિવંગતોને તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બે મિનિટ મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
કેમ્પમાં ડાયાબિટીસથી પીડિત બાળકોને સંપૂર્ણ તબીબી તપાસ, ડાયાબિટીસમાં ઉપયોગી દવાઓ અને જરૂરી મેડિકલ રિપોર્ટ્સ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટાઇપ-૧ ડાયાબિટીસના તજજ્ઞો દ્વારા રોગ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને શૈક્ષણિક સલાહ આપવામાં આવી હતી. કેમ્પમાં ઉપસ્થિત સૌ કોઈ માટે હેલ્ધી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા દરેક ડાયાબિટીક બાળકને રૂ ૨૫૦૦/-ની કિંમતની મેડિકલ કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેમાં ડાયાબિટીસ માટે ઉપયોગી સાધનો અને દવાઓનો સમાવેશ થાય છે.
અમેરિકાની મેડટ્રોનિક કંપની દ્વારા સંસ્થાના બે બાળકોને ડાયાબિટીસ માટે ઉપયોગમાં લેવાતો ૭૮જી પંપ ભેટ આપવામાં આવ્યો હતો, જેના માટે દર મહિને રૂ૨૦,૦૦૦નો રિકરિંગ ખર્ચ પણ આપવામાં આવશે.
આ કેમ્પને સફળ બનાવવા માટે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન-રાજકોટના ડો. નિલેષ દેત્રોજા, ડો. પંકજ પટેલ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. સાગર બરાસરા, ડો. તપન પારેખ, ડો. કૌશલ શેઠ તમામ એન્ડોક્રાઈનોલોજીસ્ટ, ડો. ચૈતન દવે, ડો. ઝલક શાહ ઉપાધ્યાય, અને ડો. પિન્કી મીના તમામ પીડીયાટ્રિક એન્ડોક્રાઈનોલોજીસ્ટ - એઇમ્સ ઉપસ્થિત રહ્યા હતા મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
સ્વામી વિવેકાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામીનિખિલેશ્વરાનંદજી એ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોની માતાઓને ખાસ ધન્યવાદ આપ્યા હતા. તેમણે બાળકોને તેમની ઉણપ નહીં, પરંતુ તેમની તાકાતને ઓળખવા અને સિંહ બનવા એટલે કે તેમના આત્માને જોવા માટે પ્રેરણા આપી હતી. તેમણે સ્વામી વિવેકાનંદ પુસ્તકાલયમાં પુસ્તકો ડોનેટ કરવાની પણ વાત કરી હતી.
રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું કે તમામ સરકારી સહાયમાં ક્યાંય પણ દ્યટતું જણાશે તો તેઓ હંમેશા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની સાથે રહેશે. તેમણે બાળકોમાં સકારાત્મક ઉર્જા પૂરી પાડી હતી.
રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ બાળકોને સકારાત્મક ઉર્જા પૂરી પાડી અને માર્ગદર્શન આપ્યું, તેમજ એક લાખ રૂપિયાનું અનુદાન અર્પણ કર્યું.
ફાલ્કન પંપના કમલનયભાઈ સોજીત્રા, જેઓ ડાયાબિટીસ બાળકોના શ્નજ્રાક્રજ્રાક્રઙ્ખ તરીકે ઓળખાય છે, તેમણે તેમના ભાણેજડાઓને તેમની તાકાત વિશે સમજાવ્યું. તેમણે એક લાખ રૂપિયાનું અનુદાન આપ્યું અને જાહેરાત કરી કે જયારે બોલબાલા ટ્રસ્ટ આ બાળકોને હરિદ્વાર લઈ જશે ત્યારે ભોજન વ્યવસ્થા માટે રૂ ૨ લાખ અને જરૂર પડ્યે તેનાથી વધુ રકમ પૂરી પાડશે, જે તેમની ઉદારતા દર્શાવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટના અપુલ દોશી, અનીશ શાહ, રોહિત કાનાબાર, હરિકૃષ્ણ પંડયા, અમિત દોશી, અજય લાખાણી, અને મિતેષ ગણાત્રા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. (૩૭.૧૧)
જેડીએફ ફાઉન્ડેશન બાળકોના કલ્યાણ માટે સતત કાર્યરત : અપુલભાઈ દોશી
રાજકોટ : જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન, એ જણાવ્યું કે સંસ્થા ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. સંસ્થામાં ૨૧૪૦ સર્વજ્ઞાતીય બાળકો નિઃશુલ્ક નોંધાયેલા છે. સંસ્થા દ્વારા ૭૯ જેટલા નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ, અવેરનેસ કેમ્પ, એજયુકેશન, પિકનિક, સંગીત સંધ્યા અને જ્ઞાન સાથે ગમ્મતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે આર્થિક રીતે જરૂરિયાતમંદ ૮૦૦ થી વધુ બાળકોને નિઃશુલ્ક સંપૂર્ણ સારવાર પૂરી પાડવામાં આવે છે, જેમાં તપાસ, ઇન્સ્યુલિન, સિરીંજ, ગ્લુકોમીટર, સ્ટ્રીપ અને તબીબી પરીક્ષણોનો સમાવેશ થાય છે. જયારે અન્ય બાળકોને ૪૦% થી ૫૦% રાહતદરે સુવિધાઓ મળે છે. સંસ્થા સરકારના આરોગ્ય વિભાગ સાથે સતત સંપર્કમાં રહે છે અને નિષ્ણાત ડોકટરો પાસેથી માર્ગદર્શન મેળવે છે. ખાસ કરીને, સંસ્થા દ્વારા ૮૨ દીકરા-દીકરીના લગ્ન સંબંધ ગોઠવવામાં મદદરૂપ થઈ છે, અને ૬૦ બાળકોને ટાઇપ-૧ ડાયાબિટીસ એજયુકેશન સર્ટિફિકેટ કોર્સ દ્વારા વર્ચ્યુઅલ એજયુકેશન આપવામાં આવી રહ્યું છે, જેમાંથી ૩૦ બાળકો નેશનલ ડાયાબિટીસ એજયુકેટર બની ચૂક્યા છે. અપુલભાઈએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે દર વર્ષે તેઓ ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડાતા ૨૦ થી ૨૫ બાળકો ગુમાવે છે. નબળી પરિસ્થિતિના જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષણનો ખર્ચ પણ સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવે છે.
(3:48 PM IST)










