<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

મહિકાની અરૂણાબેનને પતિએ વાળ પકડી ઢસડી માર માર્યો, દિયરે છરીના ઘા ઝીંક્‍યા

તેર વર્ષ પહેલા પરણેલી મહિલા પર પતિ શંકા કરતો હોઇ બે વર્ષ રિસામણે હતીઃ એક મહિના પહેલા સમાધાન થયું હતું : રાતે માતા સાથે ફોનમાં વાત કરતી હોઇ પતિએ ઝઘડો કરી ફટકારીઃ પછી માવતરે મુકી જવાના બહાને રિક્ષામાં બેસાડી મહિકાના પાટીયે લઇ ગયોઃ ત્‍યાં તેણીનો દિયર અગાઉથી ઉભો હોઇ બંનેએ સાથે મળી હુમલો કર્યો

રાજકોટ તા. ૩૦: રાજકોટ-ભાવનગર હાઇવે પરના મહિકા ગામે રહેતી પરિણીતાને તે રાતે ફોનમાં તેની માતા સાથે વાત કરતી હોઇ પતિએ તારે તારા માવતર સાથે વાત કરવાની જ નહિ કહી ઢસડીને માર માર્યા બાદ તેણીને સંતાનો સાથે માવતરે મુકી જવાના બહાને રિક્ષામાં બેસાડી મહિકાના પાટીયે લઇ જઇ ત્‍યાં પોતાના નાના ભાઇ સાથે મળી પત્‍નિને બેફામ માર મારતાં અને નાના ભાઇએ છરીના ઘા પેટ, હાથમાં ઝીંકી દેતાં તેણીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ બનાવમાં આજીડેમ પોલીસે હુમલામાં ઘાયલ મહિકા ગામ ડ્રીમલેન્‍ડ સ્‍કૂલ પાસે રાધીકા સોસાયટીની સામે રહેતી મુળ જસદણના ડોડીયાળાની અરૂણાબેન મહેશ સોલંકી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી તેના પતિ મહેશ બાબુભાઇ સોલંકી અને દિયર સંજય બાબુભાઇ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

અરૂણાબેન સોલંકીએ જણાવ્‍યું છે કે મારા લગ્ન તેર વર્ષ પહેલા મહેશ સાથે થયા છે. સંતાનમાં બાર વર્ષનો દિકરો મીત અને ત્રણ વર્ષની દિકરી સારથી છે. મારો પતિ ખેત મજૂરી કરે છે. અમારુ મુળ વતન ડોડીયાળા છે, એકાદ મહિનાથી હું અને મારા પતિ, સંતાનો મહિકા ગામે રહીએ છીએ. અગાઉ મારા પર પતિ શંકા કરી હેરાન કરતો હોઇ જેથી હું રાજકોટ માવતરે બે વર્ષ રિસામણે રહી હતી. પછી સમાધાન થતાં પતિ મને તેડી જતાં અમે મહિકા રહીએ છીએ.

રવિવારે રાતે આઠેક વાગ્‍યે હું ઘરે હતી અને પતિ પણ ઘરે જ હતો. આ વખતે હું મારા માતા પાંચીબેન સાથે ફોનમાં વાત કરતી હતી ત્‍યારે પતિએ આવીને તારે તારા માવતર સાથે વાત કરવાની જ નથી તેમ કહી ઝઘડો કરી વાળ પકડી ઢસડીને માર માર્યો હતો. બાદમાં તે મને હાલ તને અને સંતાનોને તારા પિતાના ઘરે મુકી જાવ તેમ કહી રિક્ષામાં બેસાડી રવાના થયો હતો. રસ્‍તામાં મરાતે દસેક વાગ્‍યે મહિકા ગામના પાટીયા પાસે પહોંચ્‍યા ત્‍યારે ત્‍યાં મારો દિયર સંજય બાબુભાઇ સોલંકી અગાઉથી જ ઉભો હોઇ મારા પતિએ રિક્ષા ઉભી રાખી હતી અને મને તથા બાળકોને નીચે ઉતારી મુક્‍યા હતાં.

આ પછી મારા પતિએ ગાળો દીધી હતી, મેં ગાળો બોલવાની ના પાડતાં ઢીકાપાટુ મારવા માંડયો હતો. મેં મારથી બચવાની કોશિષ કરતાં બાજુમાં દિયર સંજય ઉભો હોઇ તેણે મને ગાળો દઇ પેન્‍ટના નેફામાંથી છરી કાઢી પેટમાં ઘા મારી દીધો હતો. બીજો ઘા મારવા જતાં હાથ આડો રાખતાં ડબા હાથમાં ઇજા થઇ હતી. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં મારો પતિ અને દિયર ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્‍પિટલે ખસેડાઇ હતી. તેમ વધુમાં તેણીએ કહેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. ડી.આર. ધોરાળીયાએ ગુનો નોંધ્‍યો હતો.

(1:40 PM IST)