News of Monday, 30th June 2025
શાપરના અભિજીતે ઓરિસ્સાથી ગાંજો મંગાવ્યો, વેંચીને રોકડી કરે એ પહેલા એસઓજીએ દબોચ્યો
શહેર એસઓજીના પીઆઇ સંજયસિંહ જાડેજા, એન. વી. હરિયાણી અને ટીમનો દરોડોઃ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, અનોપસિંહ ઝાલાની સતત બીજી સફળ બાતમી

રાજકોટ તા. ૩૦: શહેર એસઓજીની ટીમે સતત બીજા દિવસે માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી બિહારી શખ્સને ઝડપી લીધો હતો. શાપર વેરાવળમાં રહી કારખાનામાં મજૂરી કરતો આ શખ્સ રાજકોટના મધુરમ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગાંજો વેંચવા આવ્યાની બાતમી પરથી પકડી લેવાયો હતો. આ શખ્સે સાઇડમાં આવક ઉભી કરવા ઓરિસ્સાથી ગાંજો મંગાવ્યો હતો. રાજકોટમાં બંધાણીઓને વેંચે એ પહેલા ઝડપાઇ ગયો હતો.
શહેરમાં યુવાધન નશાના રવાડે ચડતુ અટકે એ માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોઈ હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહીલ અને કોન્સ. અનોપસિંહ ઝાલાને બાતમી મળતાં થોરાળા વિસ્તારના મધુરમ ઇન્ડસ્ટ્રીઝ શેરી નંબર -૪ નેશનલ હાઇવે-૨૭ સર્વીસ રોડ પાસેથી અભિજીતકુમાર નિઠાલી પાસવાન (ઉ.વ.-૩૪ રહે. હાલ- શાપર વેરાવળ કારખાનામા મુળ રહેવાસી ફુઢવા ટોલા નવાદા ભોજપુર બિહાર)ને રૂ.૧,૨૭,૫૧૦ના ૧૨.૭૫૧ કિલો ગાંજા સાથે પકડી લીધો હતો. ગાંજો, મોબાઈલ, રોકડ મળી રૂ. ૧,૩૨,૮૧૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે આ શખ્સને થોરાળા પોલીસને સોંપાયો હતો.
પોલીસ બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એસ.એમ.જાડેજા, પીઆઇ એન.વી.હરીયાણી, પો.સબ ઈન્સ. વી.વી.ધ્રાંગુ, એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિહ ગોહીલ, મહાવીરસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, પો.કોન્સ. અનોપસિંહ ઝાલા અને ડ્રા.પો.હેડકોન્સ.મહાવીરસિંહ જાડેજાએ કરી હતી. ઉલ્લેખનીય છે કે હરદેવસ્ંિહ, યોગરાજસિંહ અને અનોપસિંહની સતત બીજી સફળ બાતમી પરથી આ કામગીરી થઇ હતી. ઝડપાયેલા શખ્સે રટણ કર્યુ હતું કે કારખાનાની મજૂરીની આવકમાં પુરુ થતું ન હોઇ સાઇડમાં આવક ઉભી કરવા ઓરિસ્સાથી ગાંજો મંગાવ્યો હતો. જો કે વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો.
(2:18 PM IST)










