News of Monday, 30th June 2025
ડામરની નવી ટેકનોલોજી માત્ર દેખાડોઃ જુની પધ્ધતિથી જ પેચવર્ક! કોંગ્રેસ તુટી પડી
શાસકોના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા

રાજકોટ, તા., ૩૦: શહેરના વોર્ડ નંબર ૧૦ માં ચાલુ વરસાદે ખાબોચિયામાં ડામરના કામ ચાલુ જોવા મળતા ર્ંકસુરવાન કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે વીજીલિયન્સ તપાસની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજદિપસિંહજી જાડેજા અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણીની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં બાંધકામ શાખામાં ડામર કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે તે જગ જાહેર છે. કામની ગુણવત્તા જળવાતી નથી જેને પગલે શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય છે. યોગ્ય સમયે પેચ વર્ક અને ડામર કામ ન થતું હોવાને પગલે જાગનાથ સહિતના વિસ્તારોમાં આજે પણ ખાડા સહિતની સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે.
શહેરના વોર્ડ નંબર ૧૦ માં રામપાર્ક મેન રોડ પર વેદાંત એપાર્ટમેન્ટ પાસે શેરીઓમાં ગઈકાલથી ડામરનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે શાસકોએ અગાઉ જાહેર કરેલ હતું કે જેટ પેચર દ્વારા ડામર કામ ચાલુ વરસાદે પણ થઈ શકશે આ પદ્ધતિ શહેરમાં અમલીકરણ કરવામાં આવશે પરંતુ આજે તસ્વીરો દેખતા એવું લાગે છે કે આ ડામર કામ જેટ પેચર પદ્ધતિને બદલે જે જૂની પદ્ધતિ છે તે રીતે ડામર કામ થઈ રહ્યું છે. તો ચાલુ વરસાદે અને ખાડામાં ડામોર કામ થાય તો તેની ગુણવત્તા જળવાઈ નહીં અને કરેલ ડામર પણ ઉખડી જવાની પૂરેપૂરી શકયતા રહે છે. વોર્ડ નંબર ૧૦ માં ચાલુ વર્ષ સાથે થઇ રહેલા આ કામ અંગે તે વિસ્તારના સીસી ફૂટેજ મેળવી ચાલુ વરસાદે જો ડામર થઈ ન શકે એવી જોગવાઈ છે ત્યારે જો વરસતા વરસાદે ડામર કરવામાં આવતો હોય તો કસુરવાન કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે વિજીલિયન્સ તપાસ કરી કડક કાર્યવાહી કરવા મારી માંગ છે.
(3:56 PM IST)










