તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
પ્ર.નગરના નિવૃત એએસઆઇ નવીનચંદ્ર ભટ્ટે મુદ્દામાલમાં રખેલો સોનાનો ઢાળીયો અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યો!
૧૯૯૮માં ચોરીનો મુદ્દામાલ કબ્જે થયો હતોઃ ૨૦૨૪માં કોર્ટના આદેશથી મુળ માલિક પોલીસ સ્ટેશને લેવા આવ્યા ત્યારે ઢાળીયો ગાયબ હતોઃ પીએસઆઇ આર. કે. ગોહિલે તપાસ બાદ ગુનો દાખલ કરાવ્યો

રાજકોટ તા. ૩૦: શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાંથી નિવૃત થયેલા એએસઆઇ વિરૂધ્ધ જે તે વખતે પોતાની ફરજ દરમિયાન ચોરીના મુદ્દામાલ તરીકે જપ્ત થયેલો રૂા. ૬૫ હજારનો સોનાનો ઢાળીયો બારોબાર અંગત ઉપયોગમાં લઇ લીધાનો ગુનો દાખલ થતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસે પીએસઆઇ આર. કે. ગોહિલની ફરિયાદ પરથી નિવૃત એએસઆઇ નવીનચંદ્ર બાલાશંકર ભટ્ટ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પીએસઆઇ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું છે કે પીએસઆઇ આઇ. એ. બેલીમની બદલી થતાં જાણવાજોગ નોંધની તપાસ અમને સોંપાઇ હતી. પ્રન.ગર પોલીસ સ્ટેશનમાં ૧૯૯૮ની સાલનો ચોરીના ગુનાનો મુદ્દામાલ જે તા. ૯/૧૦/૧૯૯૮ના રોજ કબ્જે કરાયો હતો અને તે રૂા. ૬૫ હજારની કિંમતનો સોનાનો ઢાળીયો હતો તે ગુનાના કામે કબ્જે કરાયેલ. એ પછી કોર્ટમાં કેસ ચાલી જતાં ૧૮/૫/૨૪ના હુકમથી આ સોનાનો ઢાળીયો તેના માલિક મૃદુલાબેન અરવિંદભાઇ ઠાકરને સોંપવાનો હુકમ થયો હતો. જપ્ત કરાયેલો આ ઢાળીયો મુદ્દામાલ કબાટ નંબર-૨માં રખાયો હતો. કોર્ટના હુકમ સાથે મૃદુલાબેન પોતાનું આ સોનુ પરત લેવા આવ્યા ત્યારે તેમનો સોનાનો ઢાળીયો મળ્યો નહોતો. આથી જાણવા જોગ નોંધ તા. ૮/૮/૨૪ના રોજ દાખલ કરવામાં આવી હતી.
પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૧૯૯૮માં મુદ્દામાલ રાઇટર તરીકે કોની ફરજ હતી? તેની તપાસ અમે કરતાં તે વખતે નવીનચંદ્ર બાલાશંકર ભટ્ટ ફરજ બજાવતાં હોવાનું અને ૧૯૯૪માં સોનાનો ઢાળીયો જપ્ત કરી તેને તપાસનીશે સોંપતા તેણે મુદ્દામાલ સંભાળી પાવતી આપી હતી અને સહી કરી હતી. બાદમાં તેની જગ્યાએ મુદ્દામાલ રાઇટર હેડ તરીકેનો ચાર્જ એએસઆઇ ગોકળભાઇ વસંતભાઇ પરમારને સોંપાયો હતો. ચાર્જલીસ્ટમાં મુદ્દામાલ સોંપનાર તરીકે નવીનચંદ્ર ભટ્ટની અને સંભાળનાર તરીકે ગોકળભાઇ પરમારની સહી છે.
નવીનચંદ્ર ભટ્ટે મુદ્દામાલ સંભાળ્યો ત્યારે પોતાના ચાર્જ દરમિયાન આ જમા મુદ્દામાલની દેખભાળ, સાચવણીની જવાબદારી તેની હતી. આ ફરજ વખતે તેણે ૧૯૯૮માં ચોરીના ગુનામાં કબ્જે થયેલો સોનાનો ઢાળીો મુદ્દામાલ તરીકે સંભાળ્યો હતો. એ પછી ૨૦૦૦ની સાલમાં તેણે ચાર્જ લીસ્ટ સાથે આ મુદ્દામાલ એએસઆઇ ગોકળભાઇ વસંતભાઇ પરમાને સોંપ્યો હતો. દરમિયાન ગયા વર્ષે કોર્ટના હુકમથી મુળ માલિક તેનો આ સોનાનો ઢાળીયો છોડાવવા આવ્યા ત્યારે તે પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી મળ્યો નહોતો. ફરજ દરમિયાન એએસઆઇ નવીનચંદ્ર ભટ્ટે આ મુદ્દામાલનો સોનાનો ઢાળીયો પોતાના ઉપયોગમાં લઇ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોઇ તેની સામે ફરિયાદ દાખલ કરાવાઇ છે. તેમ વધુમાં પીએસઆઇ આર. કે. ગોહિલે જણાવતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં તપાસ શરૂ થઇ છે.
(4:52 PM IST)










