<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

રાજકોટના લોકમેળા પર સંકટના વાદળોઃ રાઇડ સંચાલકોનો નિર્દેશઃ ૧ થી ૧ાા મહીનામાં ફાઉન્‍ડેશન - GST બધુ અશકય...

કલેકટર આજે નો મળ્‍યાઃ હવે કાલે મળવાની શકયતાઃ સ્‍ટોલધારકોમાં ભારે નિરાશા


રાજકોટ.. તા..૩૦: સૌરાષ્‍ટ્રના સૌથી મોટા અને રાજકોટની ઓળખ સમાન સાતમ-આઠમના લોકમેળાના આયોજન પર ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભો થયો છે. દર વર્ષે જ્‍યાં ૧૦ થી ૧૨ લાખ લોકો મેળાની મજા માણવા ઉમટી પડે છે, ત્‍યાં આ વર્ષે પણ આકરા નિયમોના કારણે રાઈડ સંચાલકો અન્‍ય  સ્‍ટોલધારકોમાં નિરાશા જોવા મળી રહી છે. ગયા વર્ષે પણ આવા જ કડક નિયમોના કારણે મેળો યોજાયો ન હતો.

રાઈડ સંચાલકોની અસહમતિ અને ફોર્મ ઉપાડવાનો ઓછો પ્રતિસાદ

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકમેળામાં રાઈડ્‍સ માટેના આકરા નિયમોના કારણે એક પણ રાઈડ સંચાલક દ્વારા હજી સુધી ફોર્મ ઉપાડવામાં આવ્‍યા નથી. બીજી બાજુ, અન્‍ય સ્‍ટોલધારકોએ ફોર્મ તો ઉપાડ્‍યા છે, પરંતુ ભરવામાં આળસ કરી રહ્યા છે. અત્‍યાર સુધીમાં ૧૨૫ જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્‍યા છે, તેની સામે માત્ર ૨૦ જેટલા જ ફોર્મ ભરાઈને પરત આવ્‍યા છે, જે મેળાના આયોજન અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.

આ સ્‍થિતિને કારણે વહીવટી તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે કે મેળો યોજવો કે નહીં. નવા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશે રાઈડ સંચાલકોને મળવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ મળી શકયા ન હતા. શરૂઆતમાં સોમવાર અથવા મંગળવારે મળવાની શકયતા હતી, પરંતુ આજે પણ મુલાકાત થઈ નથી. હવે આવતીકાલે (મંગળવારે) કલેક્‍ટર રાઈડ સંચાલકોને મળે તેવી શકયતાઓ છે.

રાઈડ સંચાલક કુલદીપસિંહે આ મામલે જણાવ્‍યું હતું કે, ‘‘હવે લોકમેળાને માત્ર દોઢ મહિના જેટલો જ સમય બાકી છે અને અમારા માટે નિયમ અનુસાર મેળો કરવો અશકય છે. મંજૂરી તેમજ ફાઉન્‍ડેશન સહિતની કાર્યપદ્ધતિમાં જ એક મહિનાથી વધુ સમય લાગે છે.'' તેમણે ઉમેર્યું હતું કે, ‘‘હજી સુધી કોઈ પણ પ્રશ્નનું નિવારણ આવ્‍યું નથી અને ૧૦ તારીખ સુધી ફોર્મ ઉપાડવાનો સમય છે. ત્‍યારબાદ અઠવાડિયા-દસ દિવસની અંદર હરાજી થાય ત્‍યાં સુધીમાં ૨૦ દિવસ જેટલો સમય નીકળી જાય છે. પછી માત્ર ૧૫ દિવસ જેટલો સમય વધે છે. આટલા ઓછા સમયમાં એનઓસી મેળવી તેમજ ફાઉન્‍ડેશન સહિતની કાર્યપદ્ધતિમાં પણ ખૂબ જ વાર લાગી જાય છે.''

જો ફાઉન્‍ડેશનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે તો પણ ડોકયુમેન્‍ટ વેરિફિકેશન તેમજ લાયસન્‍સની પ્રક્રિયામાં જ એક મહિના જેટલો સમય લાગતો હોય છે, જેના કારણે લોકમેળામાં રાઈડ્‍સ માટે અનિヘતિતા જોવા મળી રહી છે.

બીજી બાજુ, હજી સુધી લોકમેળા સમિતિ દ્વારા લાઇટિંગ, વીડિયો કે અન્‍ય બાબતોને લગતી કોઈ પણ ટેન્‍ડરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી નથી. સામાન્‍ય રીતે ટેન્‍ડરની પ્રક્રિયામાં જ ૨૦ દિવસથી એક મહિના જેવો સમય લાગતો હોય છે.

રાઈડ્‍સની મંજૂરી પ્રક્રિયામાં લાગતો સમય (અંદાજિત): ફાઉન્‍ડેશનની પ્રક્રિયાઃ ૧૦ દિવસ, લાયસન્‍સની પ્રક્રિયાના કાગળિયા એકઠા કરવામાં: ૧૦ દિવસ, લાયસન્‍સની પ્રક્રિયા (પોલીસ બ્રાન્‍ચ): એક અઠવાડિયું, જી.એસ.ટી. નંબર માટેની પદ્ધતિઃ અઠવાડિયું થી ૧૦ દિવસ. આ તમામ પરિબળો જોતા, રાજકોટનો લોકમેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે

(4:29 PM IST)