News of Monday, 30th June 2025
તું કેમ મારી માતાને ફોન કરે છે? તેમ કહી અમિતભાઇને મિત્ર દિવ્યેશ સહિતે માર માર્યો
ન્યુ ૧૫૦ રીંગ રોડ વર્ધમાનનગરના પ્લોટ ખાતે બનાવ : ઢીકાપાટુ મારી, પ્લોટમાં રાખેલી ખુરશીઓમાં તોડફોડ કરી માથે જતાં છરી બતાવી ધમકી પણ દીધીઃ યુનિવર્સિટી પોલીસે ત્રણ જણા સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૩૦: શહેરના ઘંટેશ્વર પાસે ન્યુ ૧૫૦ રીંગ રોડ વર્ધમાનનગરમાં પ્લોટની દેખરેખનું કામ સંભાળતા અને ત્યાં જ રહેતાં અમિતભાઇ પ્રીતીચંદ રાણા (ઉ.વ.૪૦)ને તેના જ જુના મિત્ર સહિત ત્રણ જણાએ પ્લોટ ખાતે આવી ગાળો દઇ મારકુટ કરતાં અને પ્લોટમાં રાખેલી ખુરશીઓનો તોડફોડ કરતાં તેની ફરિયાદ પરથી વર્ધમાનનગરના જ દિવ્યેશ હરિભાઇ સોલંકી, ભુરો અને અજાણ્યા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
અમિતભાઇ રાણાએ જણાવ્યું છે કે હું વર્ધમાનનગરમાં પ્રવિણસિંહ ઝાલાના પ્લોટમાં રહી ત્યાં દેખરેખ રાખુ છું. રાતે સવા બારેક વાગ્યે હું પ્લોટ ખાતે હતો ત્યારે મારો જુનો મિત્ર દિવ્યેશ સોલંકી અને તેની સાથે ભુરો તથા અજાણ્યો શખ્સ એમ ત્રણ જણા આવ્યા હતાં અને દિવ્યેશે તે કેમ તારા ફોનમાંથી મારી માતાને ફોન કર્યો છે? તેમ કહેતાં મેં કહેલુ કે મારા મિત્ર જેન્તીનો ફોન તારી માતા પાસે હોઇ જેથી ફોન પાછો મેળવવા જેન્તીભાઇએ તારી માતા સાથે મારા ફોનમાંથી ફોન કર્યો છે.
આ સાંભળી દિવ્યેશે ઉશ્કેરાઇ જઇ મને ગાળો દીધી હતી અને બાદમાં તેની સાથેના ભુરો અને અજાણ્યા સાથે મળી મને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પ્લોટમાં રાખેલી ખુરશીઓમાં તોડફોડ કરી હતી. હું રાડારાડી કરવા માંડતા આ ત્રણેય ભાગી ગયા હતાં. જતાં જતાં અજાણ્યા શખ્સે મને છરી બતાવી હતી અને દિવ્યેશે ધમકી આપી હતી કે હવે પછી મારી માતાને ફોન કરીશ તો જાનથી મારી નાખીશ. આ પછી હું જાતે સિવિલ હોસ્પિટલે ગયો હતો. જ્યાં સારવાર બાદ રજા અપાઇ હતી.
મારા મિત્ર જેન્તીનો ફોન દિવ્યેશની માતા પાસે હોઇ તે પાછો લેવા મિત્ર જેન્તીએ મારા ફોનમાંથી ફોન કર્યો હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો. તેમ વધુમાં અમિતભાઇએ કહેતાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો દાખલ કર્યો હતો.
(4:34 PM IST)










