<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ન્‍યાજની પ્રસાદી લેવા ઉભેલા પાંચ લોકો કારની ઠોકરે ચડયાઃ વૃધ્‍ધ ગફારભાઇના પગ ભાંગી ગયા

રાજકોટના કેસરી પૂલ પાસે મુસ્‍લીલાઇન નજીક રાતે બનાવથી નાસભાગ : બાળક, બાળકીને પ્રાથમિક સારવાર અપાઇઃ બાકીનાનો નજીવી ઇજા સાથે બચાવઃ ગંભીર ઇજાગ્રસ્‍ત નરસંગપરાના વૃધ્‍ધની ફરિયાદ પરથી કારચાલક જાહીદ શેખ વિરૂધ્‍ધ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧: હાલમાં માતમના પર્વ મર્હોરમ અંતર્ગત શહેરમાં અલગ અલગ મહોલ્લાઓમાં સબીલ બનાવવામાં આવ્‍યા છે. જ્‍યાં દરરોજ સાંજે અલગ અલગ પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાય છે. ગત રાતે કેસરી પૂલ નજીક મુસ્‍લીલાઇન નજીક આવા જ એક સબીલ ખાતે ન્‍યાજ પ્રસાદનું આયોજન કરાયું હોઇ વિસ્‍તારના લોકો ન્‍યાજ લેવા લાઇનમાં ઉભા હતાં ત્‍યારે એક ઇકો કાર બંબાટ ઝડપે આવી હતી અને પાંચથી છ લોકોને ઠોકરે ચડાવી દેતાં દેકારો મચી ગયો હતો અને નાશભાગ મચી ગઇ હતી. એક વૃધ્‍ધના પગ ભાંગી ગયા હતાં. લોકોએ કારચાલકને સકંજામાં લઇ પોલીસને જાણ કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ કેસરી પૂલ પાસે  મુસ્‍લિ લાઈનમાં ન્‍યાજનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અહિ વિસ્‍તારના લોકો મોટી સંખ્‍યામાં પ્રસાદી લેવા માટે ઉભા હતાં. આ વખતે એક ઇકો કાર બંબાટ સ્‍પીડથી આવી હતી અને લાઇનમાં ઉભેલા પાંચ  છ લોકોને ઠોકરે ચડાવી દેતાં દેકારો મચી ગયો હતો. આ અકસ્‍માતમાં નરસંગપરા-૧માં રહેતાં ગફારભાઈ હસમભાઇ ગોરી (ઉ.વ.૬૦) તેની સાથે બે બાળકો નવાઝ હુસેનભાઇ ચૌહાણ (ઉ.વ.૯), મન્નત ગુલામહુસેન ગોરી (ઉ.વ.૩)ને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યારે અન્‍ય ત્રણેક લોકોને નજીવી ઇજા થઇ હોઇ પ્રાથમિક સારવાર અપાઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહ, ધર્મેન્‍દ્રભાઇએ એ-ડિવીઝન પોલીસને કરી હતી.

પોલીસને જાણ થતાં હોસ્‍પિટલે પહોંચી ગંભીર ઇજા પામનાર ગફારભાઇ ગોરીની ફરિયાદ પરથી ઇકો કાર જીજે ૦૩-ઈઆર-૦૦૫૮ના ચાલક વિરૂધ્‍ધ  હેડકોન્‍સ. લક્ષમણભાઇ જતાપરાએ ગુનો નોંધ્‍યો હતો. કારના ચાલકનું નામ જાહીદ હનીફભાઇ શેખ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું. અકસમાતમાં ગફારભાઇના બંને પગમાં ફ્રેકચર થઇ ગયા છે. જ્‍યારે બાળક નવાબને પેટના ભાગે અને શરીરે મુંઢ ઇજાઓ થઇ હતી.

ગંભીર ઇજા પામનારા વૃધ્‍ધ ગફારભાઇ ગોરી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા છે અને સંતાનમાં બે પુત્ર છે. આ બનાવને પગલે ઘટના સ્‍થળે થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી.

(11:45 AM IST)