<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

બેભાન હાલતમાં મહિલા, યુવાન, વૃધ્‍ધ અને બે પ્રોૈઢે દમ તોડી દીધો

નયનાબા ઝાલા, ઝવેરભાઇ સોલંકી, દિલીપભાઇ ચાવડા, રેખાબેન લખતરીયા અને મંજુબેન ઉધરેજીયાના સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧: બેભાન હાલતમાં પાંચ લોકોને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ તેમના મૃત્‍યુ થયા હતાં.

આજી વસાહત ખોડિયારનગરમાં રહેતાં નયનાબા શક્‍તિસિંહ ઝાલા (ઉ.વ.૩૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમના પતિ કારખાનામાં કામ કરે છે. સ્‍વજનના કહેવા મુજબ નયનાબાને વર્ષોથી કિડનીની બિમારી હોઇ ડાયાલીસીસ કરાવવામાં આવતું હતું.

બીજા બનાવમાં રાજકોટના આણંદપર બાઘી ગામે વાડીમાં રહેતાં ઝવેરભાઇ દિલીપભાઇ સોલંકી (ઉ.વ.૩૫) બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં રૈયા રોડ સુભાષનગરમાં રહેતાં દિલીપભાઇ કાંતિભાઇ ચાવડા (ઉ.વ.૬૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. મૃતક નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. બિમારીથી મૃત્‍યુ થયાનું સગાએ જણાવ્‍યું હતું.

 જ્‍યારે ચોથા બનાવમાં પેડક રોડ ગાંધી સ્‍મૃતિ સોસાયટી-૩માં રહેતાં રેખાબેન ધનજીભાઇ લખતરીયા (ઉ.વ.૫૪) બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

પાંચમા બનાવમાં ભગવતીપરામાં રહેતાં મંજુબેન કાંતિભાઇ ઉધરેજીયા (ઉ.વ.૫૦) ઘરે રાતે બારેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો.

તેઓ બે વર્ષ પહેલા પતિનું અવસાન થયું ત્‍યારથી બિમાર રહેતાં હોવાનું સગાએ કહ્યું હતું. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(1:57 PM IST)