<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

એસ્‍ટ્રોન નાલા પાસે બાઇક સ્‍લીપ થતાં આલાપ ગ્રીન સીટીમાં રહેતાં શિક્ષક અરવિંદભાઇ મણવરનું મોત

 

રાજકોટ તા. ૧: શહેરના હેમુ ગઢવી હોલ નજીક એસ્‍ટ્રોનના નાલા પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં શિક્ષક વૃધ્‍ધનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે. મિત્રની ઓફિસનો દસ્‍તાવેજ કરવાનો હોઇ તેમાં સાક્ષીમાં સહી કરવા સબ રજીસ્‍ટ્રાર કચેરીએ જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ આલાપ ગ્રીન સીટીમાં રહેતાં અરવિંદભાઇ શીવાભાઇ મણવર (ઉ.વ.૬૩) ગત ૨૬મીએ સવારે દસેક વાગ્‍યે ઘરેથી મોટરસાઇકલ હંકારી ડો. યાજ્ઞિક રોડ પર સબ રજીસ્‍ટ્રાર કચેરી ખાતે મિત્રની ઓફિસના દસ્‍તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા માટે જઇ રહ્યા હતાં ત્‍યારે એસ્‍ટ્રોનના નાલા પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ મારફત બનાવની જાણ થતાં એ-ડિવીઝનના હેડકોન્‍સ. લાભુભાઇ જતાપરાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર અરવિંદભાઇ મણવર ખાનગી સ્‍કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી છે. આ બનાવથી મણવર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(1:57 PM IST)