<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

વેપારીને ધમકાવી ૨૦ હજાર પડાવ્‍યાઃ માલવીયાનગર પોલીસે માયાણીનગરના કરણસિંહ ખેરડીયાને દબોચ્‍યો

નાના મવા રોડ સિલ્‍વર હાઇટ્‍સ પાસે કારમાં ધૂંબા મારી ઉભી રખાવી અકસ્‍માત સર્જ્‍યાનું નાટક કરી રોકડ પડાવી : અંબીકા ટાઉનશીપના ભાર્ગવભાઇ ચાંગેલાની ફરિયાદ પરથી પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ હિરેનભાઇ પરમાર અને ટીમની કાર્યવાહીઃ ચિત્રકેતુસિંહ, મનિષઇ, મયુરદાનની બાતમીઃ આરોપી રોકડ, એક્‍ટીવા કબ્‍જે કરી આકરી પુછતાછ : આ રોડ પર મારો કોઇ વાળ વાંકો ન કરી શકે તેમ કહી વેપારી પાસેથી રોકડ પડાવ્‍યા પછી ફોન નંબર માંગી ધમકી આપી કહેલું-તારી પાસે પ્રોપર્ટી કેટલી છે? ગો તે બીઝનેસ પણ મોટો હશે, કેટલા વિઘા જમીન છે? હું બોલાવું ત્‍યારે મારી ઓફિસે આવવું પડશે

રાજકોટ તા. ૧: નાના મવા રોડ સિલ્‍વર હાઇટ્‍સ પાસે વેપારીની કારમાં ધૂંબા મારી કાર ઉભી રાખવાનો ઇશારો કરી એક બાઇક ચાલકે વેપારીને તમે મારા વાહન સાથે  અકસ્‍માત સર્જ્‍યો છે, પૈસા દેવા પડશે, રોડ તારા બાપનો નથી, માર વાહનમાં નુકસાન થયું હોય કે નહિ વહિવટ તો કરવો જ પડશે તેમ કહી ડરાવી ધમકાવી ૨૦ હજાર પડાવી લેતાં માલવીયાનગર પોલીસને જાણ કરતાં પોલીસે ભેદ ઉકેલી રૂપિયા પડાવી ભાગી ગયેલા શખ્‍સને શોધી કાઢી રોકડ, ટુવ્‍હીલર કબ્‍જે કરી આકરી સરભરા કરી હતી. આ બારામાં માલવીયાનગર પોલીસે જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ કસ્‍તુરી એપાર્ટમેન્‍ટમાં રહેતાં ભાર્ગવભાઇ હસમુખભાઇ ચાંગેલા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી અજાણ્‍યા આશરે ૩૦થી ૩૫ વર્ષના ટુવ્‍હીલર ચાલક સામે ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે. મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ અકસ્‍માતનું નાટક કરી પૈસા પડાવ્‍યાનું  તેણે કબુલ્‍યું હતું.

ભાર્ગવભાઇ ચાંગેલા હાલ પરિવાર સાથે રહે છે અને તેણે ઓસ્‍ટ્રેલિયા મેલબોર્ન ખાતે  એમબીએનો અભ્‍યાસ કર્યો છે. હાલ યુનિવર્સિટી રોડ બાલાજી પાર્કમાં ગ્રોકોન એક્‍સપોર્ટ નામે પેઢી છે ત્‍યાં ટ્રેડીંગ અને વેપાર કરે છે. તેણે કહ્યું હતું કે ૨૭/૬ના હું મારા પત્‍નિનું સ્‍કૂટી જે ભક્‍તિનગર સર્કલ પાસે માધવ ટીવીએસમાં સર્વિસમાં  આપ્‍યું હતું ત્‍યાં ગયો હતો. ત્‍યાંથી દસેક વાગ્‍યે મારી હોન્‍ડા સીટી કાર જીજે૦૩એલએમ-૭૦૦૧ લઇ ઘરે જવા નીકળ્‍યો હતો. આ વખતે નાના મવા સર્કલ સિલ્‍વર હાઇટ્‍સ નીક પહોંચતા ડ્રાઇવર સીટ તરફ એક ટુવ્‍હીલરનો ચાલક આવ્‍યો હતો અને દરવાજમાં મુક્કા મારવા માંડયો હતો તેમજ હાતના ઇશારાથી ગાડી રોકવાનું કહ્યું હતું.

ટ્રાફિક હોઇ હું સ્‍હેજ આગળ નાના મવા રોડ પર ગયો હતો અને શિવ ટ્રેડર્સ પાસે મારી કાર ઉભી રાખી હતી. એ સાથે જ બાઇક ચાલકે મારી પાસે આવી તમે મારા બાઇકમાં તમારી ગાડીનો અકસ્‍માત કર્યો છે જેથી મેં કહેલું તે મારા બાઇકમાં  કોઇ નુકશાન ક્‍યાં દેખાય છે, જો અકસ્‍માત સર્જાયો હોય તો મારી મારી કારમાં પણ નુકસાન થયું હોય. તેમ કહેતાં તેણે બેફામ ગાળો દઇ કહેલુ કે નાના મવા રોડ તારા  બાપનો છે? આ રોડ પર મારો કોઇ વાળ વાંકો ન કરી શકે, મારા એક્‍ટીવામાંભલે નુકસાન થયું ન હોય પણ મારી સાથે તારે પૈસાનો વહિવટ કરવો જ પડશે. આ શખ્‍સ ઉંચા અવાજે બોલી મને મારી નાખવાની ધમકી આપો હોઇ મારા પર જીવનું જોખમ લાગતાં હું ખુબ ગભરાઇ ગયો હતો. આ પછી મેં તેને કહેલુ કે મને માફ કરી દો, હું નિર્દોષ છું, મને જવા દો. આથી તેણે કહેલુ કે ગૂગલ પેમાં કેટલી રકમ છે તે પહેલા મને જણાવ, જે રકમ હોય તેના દસ ટકા મને આપી દે એટલે તને જવા દઇશ તેમ કહેતાં મેં તેને ગૂગલ પેની રકમનું રહેવા દો ૫-૧૦ હજાર લઇ લો તેમ કહેતાં તેણે ૫-૧૦ હજારમાં નહિ પતે ૨૦ હજાર દેવા પડશે તેમ કહેતાં હું ગભરાઇ ગયો હોઇ મેં કારમાં જ રાખેલા ૨૦ હજાર તેને આપી દીધા હતાં.આ પછી તેણે મને તારી પાસે કેટલી પ્રોપર્ટી છે? કેટલા વિઘા તારી જમીન છે? વાર્ષિક આવક કેટલી છે? તારી પાસે ગાડી તો મોટી છે એટલે બીઝનેસ પણ મોટો લાગે છે, હવે તારા મોબાઇલ નંબર આપ તેમ કહેતાં મેં તેને મારા નંબર આપ્‍યા હતાં. આ પછી મેં તેને આ મેટર અહિ જ પુરૂ કરવાનું કહેતાં તેણે કહેલુ કે હું ફોન કરુ ત્‍યારે મારી ઓફિસે હાજર થવું પડશે. બીકને લીધે મેં હા પાડી હતી. એ પછી આ શખ્‍સ જતો રહ્યો હતો. હું પણ મારા ઘરે ગયો હતો અને મારા પત્‍નિને તથા પિતાને વાત કરતાં તેણે ફરિયાદ કરવી જોઇએ તેમ જણાવતાં મેં પહેલા તો ડરને લીધે ના પાડી હતી. પણ મને હિમ્‍મત આપતાં મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ભાર્ગવભાઇએ કહેતાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધ્‍યો હતો.ડી. સ્‍ટાફની ટીમે  આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા એ દરમિયાન હેડકોનસ. ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્‍સ. મનિષભાઇ સોઢીયા અને મયુરદાન બાટીને બાતમી મળતાં મવડી ફાયર બ્રિગેડ બજરંગ રેસ્‍ટોરન્‍ટ પાસેથી કાળા રંગના એક્‍ટીવા નં. જીજે૦૩પીઇ-૩૧૮૨ સાથે શખ્‍સને સકંજામાં લીધો હતો. આકરી પુછતાછમાં તેણે કારચાલકને ધમકાવી અકસ્‍માતનું નાટક સર્જી રોકડ પડાવી લીધાનું કબુલતાં તેની ધરપકડ કરી રોકડા ૨૦ હજાર, ૯૦ હજારનું એક્‍ટીવા કબ્‍જે કર્યા હતાં. પુછતાછમાં તેણે પોતાનું નામ કરણસિંહ મહિપતસિંહ ખેરડીયા (ઉ.વ.૨૦-રહે. માયાણીનગર-૨, ખોડિયાર કૃપા, ખીજડાવાળો રોડ) જણાવ્‍યું હતું. આ શખસ છુટક કામ કરે છે. પૈસાની ખેંચ હોઇ આ ગુનો આચર્યો હોવાનું રટણ કર્યુ હતું.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડા, ડીસીપી  જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરી અને પીઆઇ જે. આર. દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ હિરેનભાઇ પરમાર, હેડકોન્‍સ. અજયભાઇ વીકમા, મયુરદાન બાટી, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, મનિષભાઇ સોઢીયા, અમરદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ભટ્ટી સહિતે આ કામગીરી કરી હતી.

(3:55 PM IST)