<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

મોમ્‍બાસા પાર્કમાં નિવૃત બેંક અધિકારીનું મકાન ભાડુઆતે ખાલી ન કરતાં લેન્‍ડ ગ્રેબીંગ હેઠળ ગુનો

યુનિવર્સિટી પોલીસે દિલીપભાઇ ભટ્ટની ફરિયાદ પરથી ગોવિંદ ખેર વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૩: રેસકોર્ષ પાર્કમાં એક ભાડુઆત મહિલાએ ફલેટ પચાવી પાડયાનો ગુનો ત્રણ દિવસ પહેલા પ્ર.નગર પોલીસમાં નોંધાયા બાદ વધુ એક આવી ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં નોંધાઇ છે. જેમાં નિવૃત બેંક અધિકારીનું રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાછળ આવેલુ મકાન ભાડુઆતે કરાર પુરો થઇ ગયા પછી ખાલી ન કરી ભાડુ પણ ન આપી પચાવી પાડવાનો પ્રયાસ કરતાં કલેક્‍ટર કચેરીમાં અરજી કરતાં લેન્‍ડ ગ્રેબીંગના કાયદા હેઠળ ફરિયાદ દાખલ થઇ છે.

આ બારામાં યુનિવર્સિટી પોલીસે રૈયા ૧૫૦ ફુટ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાછળ મોમ્‍બાસા એવન્‍યુ શેરી નં. ૪માં  રહેતાં નિવૃત બેંક અધિકારી દિલીપભાઇ સોમનાથભાઇ ભટ્ટ (ઉ.વ.૬૮)ની ફરિયાદ પરથી ગોવિંદ અજાભાઇ ખેર વિરૂધ્‍ધ જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ ગુનો નોંધ્‍યો છે. દિલીપભાઇ ભટ્ટ અગાઉ પંજાબ નેશનલ બેંકમાં ફરજ બજાવતાં હતાં અને ૨૦૧૫માં નિવૃત થયા પછી હાલ પત્‍નિ, પુત્ર સાથે રહે છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે અમારા મકાનના બીજા માળે ટુ બીએચકેની સુવિધા છે. આ મકાન અમે દિલીપ ખેરને વર્ષ ૨૦૨૩માં અગિયાર મહિનાના ભાડા કરારથી ભાડેથી આપ્‍યો હતો. પરંતુ કરાર સમય પુરો થઇ ગયા પછી અમે ગોવિંદ ખેરને મકાન ખાલી કરવાનું કહેતાં તેણે ખાલી કરવાની ના પાડી દીધી હતી. તેમજ ભાડુ આપવાનું પણ બંધ કરી દીધું હતું.

આથી અમે કલેક્‍ટર કચેરી ખાતે ઓનલાઇખ અરજી કરી હતી. આ અરજી મામલે કલેક્‍ટરશ્રીની કચેરીએ લેન્‍ડ ગ્રેબીંગ કાયદા હેઠળ નિમાયેલી સમિતિએ ૧૧/૬/૨૫ના રોજ ગોવિંદ ખેર વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ કરવા પોલીસને સુચના આપી હતી. તે અંતર્ગત મને એસીપી કચેરી ખાતે બોલાવવામાં આવતાં ફરિયાદ નોંધાવી છે.

અમે અમારા મકાનના ઉપરના માળે ટુ બીએચકે મકાન અગાઉ  અમારા સગા પલકભાઇ ભટ્ટને ભાડેથી આપ્‍યું હતું. તે એવીપીટીમાં  નોકરી કરતાં હોઇ તેની બદલી અમદાવાદ ખાતે થતાં ૨૦૨૨માં તેણે મકાન ખાલી કર્યુ હતું. એ પછી જમીન મકાનની દલાલીનું કામ કરતાં પ્રકાશભાઇ વાળંદ મારફત ગોવિંદ ખેરને મકાન આપ્‍યું હતું. જે તે વખતે પ્રકાશભાઇએ કહેલુ કે આ સારા માણસ છે, કોઇ વાંધો નહિ આવે. જેથી અમે ૧/૧/૨૩ના રોજ રૂા. ૮૫૦૦ના ભાડાથી ગોવિંદ ખેરને મકાન આપ્‍યું હતું. તે તેના પત્‍નિ અને દિકરા, દિકરી સાથે રહેતાં હતાં. એકથી પાંચ તારીખ સુધીમાં  ભાડુ આપવાનું નક્કી કરી અગીયાર મહિનાનો ભાડા કરાર કરાયો હતો. જો કે બાદમાં તેણે ભાડુ નહિ આપતાં બે મહિના ચડત થઇ ગયા હતાં. આ પછી તેણે એક સાથે ભાડુ આપી દેવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી ભાડુ આપ્‍યુ નથી અને અમારુ મકાન પણ ખાલી કરતાં નથી. કરાર પણ ૩૦/૧૧/૨૩ના પુરો થઇ ગયો છે. અમારુ મકાન તે પચાવી પાડવા માંગતા હોઇ જેથી કલેક્‍ટરમાંઅરજી કરી હતી. તેમ વધુમાં દિલીપભાઇ ભટ્ટે જણાવતાં એસીપી રાધિકા ભારાઇ અને પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એન. આર. રાઠોડે ગુનો દાખલ કર્યો છે. 

(12:15 PM IST)