News of Thursday, 3rd July 2025
લોકમેળામાં રાઇડ સંચાલકો નહીં આવે તો અમારો "B" પ્લાન તૈયાર જ છેઃ બાકી મેળો તો યોજાશે જઃ ઓમપ્રકાશ
મેળાનો ૮ કરોડનો વીમો લેવા કાર્યવાહી શરૂ : અમારી પાસે ૩૦ ટકા જગ્યા ખાલી રહેશેઃ ત્યાં રમતોત્સવ-યોગ-વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે...

રાજકોટ તા. ૩: રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે પણ ચકડોળે ચડ્યો છે. કડક SOP ને કારણે રાઇડ સંચાલકોએ હજુ સુધી મેળામાં ભાગ લેવા માટે ફોર્મ ભર્યા નથી, જેના પગલે મેળા સમિતિએ ‘પ્લાન B’ તૈયાર કર્યો છે. જો રાઇડ સંચાલકો મેળામાં ભાગ નહીં લે, તો પણ લોકમેળો ભવ્ય રીતે યોજાશે, તેમ આજે કલેકટરે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું.
જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જો રાઇડ સંચાલકો લોકમેળામાં ભાગ નહીં લે, તો તેમના માટે પ્લાન B તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ પ્લાનમાં ખાસ કરીને વિવિધ આકર્ષક સાંસ્કળતિક કાર્યક્રમો, રમતોત્સવ યોગ તથા અન્ય કેટલાય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, રાઇડ સંચાલકો ન આવે તો મેળાની જગ્યામાં આશરે ૩૦ ટકા જેટલો વધારો થાય છે. આ વધારાની જગ્યાનો ઉપયોગ અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે કરવામાં આવશે.
ડો. ઓમ પ્રકાશના જણાવ્યા અનુસાર, ભલે રાઇડ સંચાલકો ન આવે, છતાં પણ આ વખતે લોકમેળો ખૂબ જ સારી રીતે યોજાશે. મેળા સમિતિ લોકોના મનોરંજન માટે કોઈ કસર છોડશે નહીં.
અત્યાર સુધીમાં લોકમેળા માટે કુલ ૧ર૩ ફોર્મ ઉપડયા છે, ર૪ ભરાઇને આવ્યા છે, જેમાં ટી કોર્નર-૧, રમકડા-૧૪, નાની ચકરડી-નાની ખાણી પીણીના-૩ તથા આઇસ્ક્રીમ ચોકઠાના-૬ ફોર્મ ભરાયા છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ જૂલાઇ છે, તે પછી એક પણ મુદ્દત નહીં વધારાય. આ વખતે પણ લોકમેળાનો ૮ કરોડનો વીમો અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે. (૭.ર૪)
(2:40 PM IST)










