<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રાજીવનગર ૨૫ વારીયાનો અયાન શેખ ધો-૧૦ની છાત્રાનું અપહરણ કરી ગયો

ટુવ્‍હીલરમાં બેસાડી જંકશન રેલ્‍વે સ્‍ટેશન પાસે પહોંચી ત્‍યાં વાહન રાખી ટ્રેનમાં બાળાને લઇ ગયોઃ સીસીટીવી ફૂટેજમાં દ્રશ્‍યો દેખાયાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

 

રાજકોટ તા. ૩: બજરંગવાડી રાજીવનગર વિસ્‍તારમાંરહેતો શખ્‍સ ધોરણ-૧૦માં અભ્‍યાસ કરતી ૧૬ વર્ષની બાળાને ટુવ્‍હીલરમાં બેસાડી અપહરણ કરી બાદમાં જંકશન રેલ્‍વે સ્‍ટેશન પાસે વાહન મુકી સગીરાને ટ્રેનમાં બેસાડી ભગાડી જતાં ચકચાર જાગી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે સગીરાના ભાઇની ફરિયાદ પરથી બજરંગવાડી રાજીવનગર ૨૫ વારીયામાં રહેતાં અયાન ફિરોઝભાઇ શેખ વિરૂધ્‍ધ અપહરણનો ગુનો નોંધ્‍યો છે. તે બાળાને ભગાડીને જંકશન પહોંચ્‍યો તેના દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરિયાદી યુવાન મુળ બિહારના વતની છે અને હાલ રાજકોટ રહી મજૂરી કરે છે. તેણે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું. મારી સાથે માતા, નાનો ભાઇ અને ૧૬ વર્ષની વયની બહેન રહે છે. જેણી હાલ ધોરણ-૧૦માં અભ્‍યાસ કરે છે. તા. ૨/૭ના સવારે પાંચેક વાગ્‍યે મારા માતા પાણી ભરવા માટે જાગ્‍યા ત્‍યારે મારી નાની બહેન ઘરમાં જોવા ન મળતાં અમે સાથે મળી આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ તે ક્‍યાંય દેખાઇ નહોતી. અમે તપાસ કરતાં રાજીવનગર ૨૫ વારીયામાં રહેતાં ફિરોઝભાઇ શેખનું એક્‍ટીવા તેના ઘર પાસે ન હોઇ જેથી શંકા ઉપજી હતી.

ત્‍યારબાદ હું અને મારો ભાઇ બહેનને શોધવા રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેશન, ગ્રીનલેન્‍ડ ચોકડીએ ગયા હતાં પરંતુ તે મળી નહોતી. એ પછી સવારે છએક વાગ્‍યે ફિરોઝભાઇ શેખે ફોન કરીને કહ્યું હતું કે મારા દિકરા અયાનનો વ્‍હોટ્‍સએપમાં વોઇસ રેકોર્ડીંગ આવ્‍યું છે જેમાં તેણે કહ્યું છે કે-આપણું એક્‍ટીવા રેલ્‍વે સ્‍ટેશને રાખ્‍યું છે તે લઇ લેજો. બસ આટલો જ મેસેજ છે. આથી અમે રેલ્‍વે સ્‍ટેશને જતાં ત્‍યાં ફિરોઝભાઇનું એક્‍ટીવા ગુરૂકૃપા મોબાઇલ પાસેથી મળી આવ્‍યું હતું. દુકાનદારને અમે વિનંતી કરતાં અમને સીસીટીવી કેમેરા જોવા દેતાં મારી બહેનને ફિરોઝભાઇનો દિકરો અયાન શેખ ટુવ્‍હીલરમાં બેસાડી રેલ્‍વે સ્‍ટેશને લાવતો દેખાયો હતો.  બાદમાં આ વાહન પાર્ક કરી તે મારી બહેનને ટ્રેનમાં બેસાડી ભગાડી ગયાની ખબર પડી હતી. અયાનનો ફોન પણ બંધ આવતો હોઇ અમે પોલીસને જાપણ કરી હતી. ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૧૦)

(2:40 PM IST)