તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
બાલાજી હોલ નજીક સાઇટ પર પટકાઇ જતાં ફર્નિચરના કારીગર યુપીના શાહબુદ્દીનનું મોત
બે બહેનનો એક જ ભાઇ હતોઃ હાલ આઠમા માળે કામ ચાલુ હોઇ ત્યાં રહેતો અને ત્યાં જ સુઇ જતો હતોઃ અકસ્માતે પડી ગયાની શક્યતાઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩: દોઢસો ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક આલાપ એસ્ટરીયાની સાઇટ પાસેથી એક યુવાન ઇજાગ્રસ્ત અને બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત થયું હતું. આ યુવાન મુળ યુપીનો વતની હતો અને આઠમા માળે ફર્નિચરનું કામ કરવા આવ્યો હતો. જો કે તે કયા માળેથી અને કેવી રીતે પડી ગયો તે બહાર ન આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ બાલાજી હોલ પાસે બિલ્ડીંગની સાઇટ પરથી શાહબુદ્દીન સિરાજુદ્દીન (ઉ.વ.૨૨) નામનો યુવાન ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર શાહબુદ્દીન મુળ ઉત્તરપ્રદેશનો વતની હતો. હાલ તે રાજકોટ રહી ફર્નિચરનું કામ કરતો હતો. તે બે બહેનનો એકનો એક મોટો ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો. તેના લગ્ન થયા નહોતાં. છએક વર્ષથી રાજકોટ રહેતો હતો. હાલ આઠમા માળે હાલમાં ફર્નિચરનું કામ ચાલતું હતું. તે હાલમાં અહિ રહી અહિ જ સુઇ જતો હતો. રાતે અંધારામાં કોઇપણ કારણોસર પટકાતાં મૃત્યુ થયાની શક્યતા છે. તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે મજૂરોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૧૦)
(2:41 PM IST)










