News of Thursday, 3rd July 2025
કેસરી પૂલ રેલ્વેના પૂલ નીચે ડૂબી જવાથી યુવાનનું મોત
હાથમાં સૂરજદાદા, નાગદાદા, ત્રિશુલના ચિત્રો ત્રોફાવેલા છેઃ ઓળખ મેળવવા બી-ડિવીઝન પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૩: કેસરી પૂલના રેલ્વેના પૂલ નીચે પાણીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં પોલીસે કાર્યવાહી કરી હતી. આ યુવાનનું મોત ડૂબી જવાને કારણે થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
અજાણ્યા યુવાનની પૂલ નીચે લાશ હોવાની માહિતી મળતાં બી-ડિવીઝનના એએસઆઇ જયપાલસિંહ ઝાલા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આ યુવાન આશરે ૩૫ વર્ષનો છે. તેણે લીલુ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેરેલા છે. તેના બંને હાથ પર નાગદાદા, સૂરજદાદા અને ત્રિશુલના ચિત્રો ત્રોફાવેલા છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતા મૃતકના સગા સંબંધી હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો. મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે રખાયો છે. (૧૪.૧૧)
(2:42 PM IST)










