News of Thursday, 3rd July 2025
ચમત્કાર વિના નમસ્કાર નહિ! ચાલુ વરસાદે મનપાના અધિકારીઓ ફિલ્ડમાં
ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટીએ ડે.કમિશનર સહિતના અધિકારીઓને ઉધડા લીધા બાદ ઓફીસમાં ન બેસવા તથા વિસ્તારોમાં રહેવા તુષાર સુમેરાની સુચના

રાજકોટ તા. ૩: શહેરમાં ડીઆઈપાઈપલાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ વોર્ડના રોડ-રસ્તાઓની ઘોરખોદાઈ ગઈ છે. કોન્ટ્રાક્ટરે શરત મુજબ ખોદકામ કરેલ ચરેડાઓ વ્યવસ્થિત પુરવાના હોય છે. પરંતુ કહેવા વાળુ કોઈ ન હોય કોન્ટ્રાક્ટરોએ પણ મનમાની કરી આડેધડ ચરેડાઓ અધકચરા પુરી દેતા સામાન્ય વરસાદમાં શહેરભરમાં ખાડાનું સામ્રાજ્ય છવાય ગયું છે અને ચારેય તરફથી ફરિયાદો ઉઠતા અંતે ગઈકાલે સ્ટેન્ડીંગમાં આ મુદ્દે અધિકારીઓનો કડક ભાષામાં સુચનાઓ અપાતા તેમજ મ્યુનિસિપલ કમિશનરે પણ ડે. કેમિશનરના સહિતના અધિકારીઓને ઓફિસમાં બેસવાના બદલે ફિલ્ડમાં ચાલુ વરસાદે પણ હાજર રહેવાનો આદેશ કરતા આજે તમામ વોર્ડમાં અધિકારીઓનો ચાલુ વરસાદે ખાડા પુરવા સહિતની કામગીરીનું સુપરવિઝન કરતું જોવા મળ્યું હતું.
શહેરમાં આજ સુધીમાં હજુ કટકે કટકે ૧૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. છતાં સામાન્ય વરસાદમાં પણ રોડ રસ્તાઓનો કચ્ચરઘાણ બોલી જતાં છેલ્લા ઘણા સમયથી દરેક વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં ખાસ કરીને ડીઆઈ પાઈપલાઈન માટે મુખ્ય માર્ગો અને શેરીઓગલીઓ પણ ખોદી નાખવામાં આવી છે. તેના પર સમયસર પેચવર્ક ન થતાં માટી ધોવાઈ જવાથી ચારો તરફ ખાડાઓ જ જોવા મળી રહ્યા છે. આ મુદ્દે ભારે ઉહાપો બોલતા અંતે શાસકપક્ષે આળશ ખંખેરી ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં અધિકારીઓ સાથે સંકલન વખતે કડક સુચના આપી ઓફિસમાં બેસવાના બદલે કાલથી ફિલ્માં જવાનો આદેશ કર્યો હતો. જ્યારે મ્યુનિસિપલ કમિશનરે પણ તમામ ડે. કમિશનર સહિતના અધિકારીઓને રોડ-રસ્તાની મરમત તેમજ અન્ય કામો ૧૫ દિવસમાં પુરા કરવા આજથી ચાલુ વરસાદે પણ ફિલ્ડમાં હાજર રહી કામગીરી નિહાળવાનો આદેશ આપતા આજે ત્રણેય ઝોન અને તમામ વોર્ડમાં ત્રણેય ડે.કમિશનર તેમજ સીટી ઈજનેર સહિતનો કાફલો અન્ય સ્ટાફ સાથે દોડી ગયો હતો અને પ્રથમ કોર્પોરેટરો અને લોકોની ફરિયાદો આવેલ તેવા વિસ્તારોમાં રોડ-રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
શહેરમાં ચોમાસાએ દસ્તક દીધી ત્યાં જ તમામ વોર્ડ અને વિસ્તાર ખાડાઓમાં ફેરવાઈ ગયું છે. આ વખતે વરસાદ વહેલો આવતા મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. જેની સામે ડીઆઈ પાઈપલાઈનની કામગીરી સમયસર ન થતાં ચરેડાઓ પુરવાનું કામ ચાલુ ચોમાસે કરવાની ફરજ પડી હતી. જેના લીધે મોરમ ઉપર પેચવર્ક કામ ન થતાં મોટા ભાગના વિસ્તારોના ચરેડાઓ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. જેના લીધે શહેરભરમાંથી ફરિયાદોનો ધોધ વહ્યો હતો અને અંતે તંત્ર દ્વારા આજે તમામવોર્ડમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રોડ રસ્તા સહિતના કામો ચાલુ વરસાદે થતાં હોવાની લોકોને પ્રથમ વખત જોવા મળ્યું હતું.
મનપામાં સૌથી વધુ જવાબદારી ડે. કલેક્ટરને સોંપવામાં આવેલ હોય આજે કલેક્ટર દ્વારા વોર્ડ નં. ૭ માં સફાઈકામદારો સાથે મીટીંગ કરી બાંધકામ, ડ્રેનેજ, ગાર્ડન, મેલેરિયા, વિભાગ અંતર્ગત થતી કામગીરીની વિગતો મેળવી નિયમીત સફાઈ સહિતના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે સુચના આપવામાં આવી હતી. તેવી જ રીતે વોર્ડ નં. ૧૩ માં ગોંડલ રોડ ઉપર ભારત પેટ્રોલિયમની બાજુમાં બ્લોક નાખવાનું કામ તેમજ એચસીજી હોસ્પિટલ વાળા રોડ ઉપર મેટલ અને મોરમ સહિતનું કામ તેમજ વોર્ડ નં. ૭ માં જૂના જાગનાથ શેરી નં. ૭ માં ડિઆઈ પાઈપલાઈનના ચરેડામાં વેટમીક્સ કરવાનું કામ અને સર્વેヘર ચોકમાં ડે. કમિશનરે કામગીરી નિહાળી હતી. તેવી જ રીતે ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧૫માં ડે. કમિશનરે તમામ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને સુચના આપી હતી. વોર્ડ નં. ૧૨ માં ડીઆઈ પાઈપલાઈનની કામગીરી બાદ બાકી રહી ગયેલા કામની સમીક્ષા કરી સ્ટાફને ચરેડા પુરવા માટે લગાડવામાં આવ્યો હતો. વોર્ડ નં. ૧૫માં એનએસઆઈસી રોડ તેમજ સત્યમ પાર્ક તથાં વોર્ડ નં. ૨ માં બજરંગવાડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજના મેન હોલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નં. ૧૧ ગોવિંદ બંગલોઝ રોડ તેમજ વોર્ડ નં. ૧ માં વર્ધમાન નગર રોડ રિપેર કરવાની કામગીરી જેસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઈસ્ટઝોનમાં રામનાથ મહાદેવ મંદિર તેમજ આજી નદીમાં એકઠા થયેલ કચરાના નિકાલ માટે જેસીબી, હિટાચી મશીન અને ડમ્પર સહિતનો સફાઈ કામદારનો સ્ટાફ સ્થળે પહોંચી સફાઈ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે એક પણ અધિકારીને ઓફિસમાં ન બેસવાની સુચના આપતા તમામ અધિકારી સહિતનો કાફલો સાંજ સુધી ફિલ્ડમાં જ રહેશે તેમ જાણવા મળેલ છે.
(3:48 PM IST)










