<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા યોજાઇ ‘બ્રહ્માનંદ' યુવા શીબીર

રાજકોટ : બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર સંચાલિત યુવા પ્રવળત્તિ દ્વારા યુવકો અને યુવતીઓ માટે હોટલ સીઝન્‍સ ખાતે ‘બ્રહ્માનંદ - ધ ઇટરનલ હેપીનેસ' વિષયક પ્રેરણાત્‍મક અને રસપ્રદ શિબિરનું આયોજન કરવા આવ્‍યું હતું. જેમાં રાજકોટ, મોરબી તેમજ વાંકાનેર ક્ષેત્રના ૧૭૦૦ થી અધિક યુવકો અને યુવતીઓ જોડાયા હતા. શિબિરના પ્રારંભમાં બીએપીએસના વિદ્વાન વક્‍તા સંત પૂ. અપૂર્વમુનિ સ્‍વામીએ શિબિર થીમને સ્‍પષ્ટ કરતા, જગતનાં સુખ કરતા ભગવાનનું સુખ અધિક છે તેને વિવિધ દ્રષ્ટાંતો, પ્રસંગો અને દલિલો દ્વારા સમજાવી હતી. ત્‍યારબાદ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરના અન્‍ય સંતોના ઈન્‍ટરવ્‍યૂ દ્વારા કોઈપણ પરિસ્‍થિતીમાં આનંદમાં રહી ‘બ્રહ્માનંદ'ની અનુભૂતિ કઈ રીતે કરવી તથા ત્‍યાગ કરવાથી જીવનમાં શું લાભ થાય આ વિષે તમામ શિબિરાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. શિબિરમાં એક ખાસ સત્રમાં પુ. અપૂર્વમુનિ સ્‍વામીએ રાજકોટના મહાનુભાવો પાસેથી પ્રશ્‍નોત્તરીના માધ્‍યમ દ્વારા ‘ખરો બ્રહ્માનંદ શેમાં?' વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આઈપીએસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, બાન લેબ્‍સના માલિક શ્રી મૌલેશભાઈ ઊકાણી, પાણ એમ્‍પાયરના શ્રી ચિરાગભાઈ પાણ તથા સીઝન્‍સ હોટેલના માલિક શ્રી વેજાભાઈ રાવલિયા તથા તેમના સુપુત્ર શ્રી કેતનભાઈ રાવલિયા ઉપસ્‍થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ ‘વીચ ઇઝ ધ હેપીએસ્‍ટ મોમેન્‍ટ ઓફ યોર લાઇફ?' પ્રશ્‍નોના જવાબ આપી સામે બેસેલા ભારતના ભાવિ રત્‍નો સમાન ૧૭૦૦થી અધિક યુવક-યુવતીઓને પોતાના અનુભવોના આધારે માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. ત્‍યારબાદ કાર્યકરો દ્વારા ‘ફાઇટ  ફોર હાઇટ' વિષયક પીપીટી પ્રેઝન્‍ટેશન રજૂ થયું હતું. જેમાં જીવનમાં આવતી અડચણોની વચ્‍ચે આગળ વધવા માટે વિવિધ પ્રલોભનો સામે કેવી રીતે ઝઝુમવું પડે છે તેનો ચિતાર આપવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત રાજકોટના વિદ્વાન અને વિચક્ષણ સંત એવા પૂ. અપૂર્વમુનિ સ્‍વામી સાથે યુવકોએ જીવનમાં ચારિત્ર્ય બાબતે અભ્‍યાસ કે નોકરીમાં મર્યાદા - સંયમ  કેટલો જરૂરી છે? આજની યુવા પેઢીએ ચારિત્ર્ય બાબતે કેવી સાવધાની રાખવી જોઈએ? આવા અલગ અલગ પ્રશ્‍નોના સુંદર અને સચોટ જવાબો મેળવી, સંયમી જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્‍ત કરી હતી. આમ, સવારના આઠ વાગ્‍યાથી સાંજના સાત વાગ્‍યા સુધી સુંદર સ્‍કિટ, સંવાદ, પ્રેરક પ્રવચન, પ્રશ્‍નોત્તરી, વિવિધ ઇન્‍ટરવ્‍યૂ, ડિબેટ, લાઈવ પોડકાસ્‍ટ, વિવિધ રમતગમત અને રસપ્રદ પ્રસાદ દ્વારા તમામ શિબિરાર્થીઓ જ્ઞાન સાથે ગમ્‍મત કરતા તરબતર થઈ ગયા હતા. અંતમાં યુવા હદયમાં આનંદ અને ઉત્‍સાહ જગાડે એવા શૌર્યગીત દ્વારા શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 

(3:33 PM IST)