તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 3rd July 2025
શ્રી આપાગીગાના ઓટલે (ચોટીલા) ભવ્ય ગુરૂપૂર્ણિમા મહોત્સવઃ પૂજ્ય જીવરાજબાપુ ગુરુ શામજીબાપુનું પૂજન અર્ચન
સંતો માટે ભોજન પ્રસાદ, ભંડારોઃ ભેટ પૂજા અપાશે, સંતો મહંતોના હસ્તે વળક્ષારોપણ થશેઃ સહુને લાભ લેવા નરેન્દ્રબાપુનું જાહેર આમંત્રણ

રાજકોટઃ ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલા શ્રી આપાગીગાના ઓટલે, મોલડી ગામના વળાંક પાસે, તા. ૧૦ જુલાઈ ગુરુવારના રોજ ભવ્યાતિભવ્ય ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. છેલ્લા એક દસકાથી વધુ સમયથી સમગ્ર સમાજમાં સુપ્રસિદ્ધ બનેલા આ ધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ગુરૂપૂર્ણિમાની ઉજવણી થશે શ્રી નરેન્દ્રબાપુ જણાવે છે.
શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) દ્વારા આ ગુરૂપૂર્ણિમા મહોત્સવનું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે ગુરૂપૂર્ણિમાએ ગુરૂના ગુણગાન ગાવાનો અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો વિશેષ અવસર છે.
કાર્યક્રમની વિગતો આપતા, શ્રી નરેન્દ્રબાપુએ જણાવ્યું કે સવારે ૧૧.૧૫ કલાકે સદ્ગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ અને પરમ પૂજનીય શ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણબાપુની પ્રતિમાઓનું વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવશે. સંતો, મહંતો અને ભાવિકજનોને સંતોના દર્શન, વાણી અને આશીર્વાદનો લાભ મળશે. તેમણે કહ્યું કે ગુરુપૂર્ણિમા ચાર વેદોના રચયિતા પરમ પૂજ્ય વ્યાસજીનો જન્મદિન હોવાથી વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રસંગ પૂર્વે જ પૂજ્ય જીવરાજબાપુ ગુરુ શ્રી શામજીબાપુના સમગ્ર શિષ્ય સમુદાયમાં હરખની હેલી છે
આ પ્રસંગે વિશિષ્ટ મહાપ્રસાદ (ભંડારો), જેમાં બે મિષ્ઠાન, ફરસાણ, દાળ, ભાત અને બે શાકનો સમાવેશ થાય છે, તેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, સંતો અને ભાવિકજનોના વરદ હસ્તે વળક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાશે, જે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે.
શ્રી આપાગીગાના ઓટલે છેલ્લા ૧૩ વર્ષથી ચોવીસે કલાક કોઈપણ ભેદભાવ વગર ભાવિકજનો અને યાત્રાળુઓ માટે મહાપ્રસાદ અને વિશ્રામ (ઉતારા)ની વ્યવસ્થા અવિરતપણે ચાલી રહી છે.
સમગ્ર ભાવિકજનોને આ પાવન પર્વનો લાભ લેવા અને આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) દ્વારા ભાવભર્યું જાહેર નિમંત્રણ છે.
(4:00 PM IST)










