<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

પોપટપરા સંતોષીનગરમાં દયાબેન દુધરેજીયાનો ફાંસો ખાઇ આપઘાતઃ ત્રણ મહિના પહેલા બીજા લગ્ન કર્યા'તા

ભગવતીપરામાં માવતર ધરાવતી યુવતિને ફ્રુટ-લીંબુ વેંચતા લખન સાથે ઇન્સ્ટાગ્રામથી ઓળખ થઇ હતીઃ પતિ સાથે યાર્ડે ગયો ત્યારે પગલુઃ માવતર તરફથી કોઇ આક્ષેપ નથી

રાજકોટ તા. ૫: શહેરના પોપટપરા નાલા પાસે સંતોષીનગરમાં રહેતી પરિણીતાએ સવારે ઘરે લાકડાની આડીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આપઘાત કરનાર આ યુવતિએ ત્રણ મહિના પહેલા જ બીજા લગ્ન કર્યા હતાં.

જાણવા મળ્યા મુજબ સંતોષીનગરમાં રહેતી દયાબેન લખનભાઇ દુધરેજીયા (ઉ.વ.૨૨)એ સવારે ઘરે લાકડાની આડીમાં લટકીને આત્મહત્યા કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી દ્વારા થતાં કન્ટ્રોલ રૂમ મારફત પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. ઘટનાને પગલે પીએસઆઇ એસ. ડી. કોઠીવાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર દયાબેનના માવતર ભગવતીપરામાં રહે છે. તેણીના સંતોષીનગરના લખન દુધરેજીયા સાથે બીજા લગ્ન હતાં. બંનેને ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય થયા બાદ ત્રણ મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં. પતિ લખન ફ્રુટ, લીંબુ વેંચી ગુજરાન ચલાવે છે. સવારે પતિ યાર્ડ ખાતે ફ્રુટ ખરીદવા ગયો ત્યારે પાછળથી તેણીએ આ પગલુ ભર્યુ હતું. ગૃહકલેશને કારણે આમ બન્યુ કે અન્ય કારણે તે અંગે વિગતો બહાર આવી નથી. હાલ માવતર તરફથી પણ કોઇ આક્ષેપો કરાયા નથી. કારણ જાણવા તપાસ યથાવત રખાઇ છે તેમ પીએઅસાઇ કોઠીવારે જણાવ્યું હતું.

(2:28 PM IST)