<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

રાજકોટ શહેર એસઓજીનો સપાટોઃ એક સાથે ત્રણ ડ્રગ્સ પેડલરને પીઆઇટી હેઠળ જેલમાં ધકેલી દેવાયા

સુધા ધામેલીયા, ચેતન સમેચા અને અંકુર ઉર્ફ બાડો સંચાણિયા સામે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની રાહબરીમાં એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ વી.વી. ધ્રાંગુની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૫: શહેરમાં માદક પદાર્થોનો ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા બાબતેના ૧૯૮૮ના કાયદા હેઠળ એક સાથે ત્રણ ડ્રગ્સ પેડલરને પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ ડીટેઇન કરવાની કાર્યવાહી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની રાહબરીમાં શહેર એસઓજીએ કરીને સપાટો બોલાવી દીધો છે. મહિલા ડ્રગ્સ પેડલર સહિત ત્રણને આ કાયદા હેઠળ જેલહવાલે કરી દેવામાં આવતાં ડ્રગ્સની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાએ  સુચના તેમજ માર્ગદર્શન આપતાં તેમજ અધિક પોલીસ મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ કાર્યવાહી કરવા ડ્રાઇવ રખાઇ હોઇ શહેર એસઓજીએ દરખાસ્ત કરી રજૂ કરતાં રાજકોટના ત્રણ ડ્રગ્સ પેડલરને પીઆઇટી એનડીપીએસ હેઠળ  હિંમતનગર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જેલમાં મોકલી દેવાયા છે.

જેની સામે કાર્યવાહી થઈ તેમાં સુધા સુનીલભાઇ ધામેલીયા (ઉ.વ.૪૦ રહે. સ્લમ કવાર્ટર, કવાર્ટર નં ૫૧૦ રૈયાધાર ૧૨ માળીયા)ને સબ જેલ હિંમતનગર, સાબરકાંઠા ખાતે મોકલાઇ છે. જ્યારે ચેતન ઉર્ફે મહાદેવ ભરતભાઇ સમેચા (ઉ.વ.૨૧ રહે. નહેરૂનગર, શેરી નં ૪/૫ નો ખુણો માલધારી ચોક, ગોકુલ પાનના ગલ્લાની બાજુમા)ને જીલ્લા જેલ પાલનપુર બનાસકાંઠા ખાતે મોકલવામા઼ આવ્યો છે. તેમજ અંકુર ઉર્ફે બાડો કીરીટભાઇ સંચાણીયા (ઉ.વ. ૨૭ રહે. પ્રજાપતિ સોસાયટી શેરી નં ૩/૬ નો ખુણો કુળદેવી મકાન, ઓમનગર પાસે ૪૦ ફુટ રોડ)ને મહેસાણા જેલમાં ધકેલાયો છે. આ ત્રણેય માદક પદાર્થને લગતાં ગુનાઓમાં સંડોવાયા હતાં.

આ કામગીરી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી.વી.ધ્રાંગુ, એએઅસાઇ  વિરેન્દ્રસિંહ ઝાલા, એએઅસાઇ  અરૂણભાઇ બાંભણીયા, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ગોહીલ, ફીરોઝભાઇ રાઠોડ, મહાવીરસિંહ, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા તથા હાર્દિકસિંહ પરમાર તથા અનોપસિંહ તથા મહીલા કોન્સ. મોનાબેન બુસા તથા પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયા, હેડકોન્સ. રાજુભાઇ દહેકવાડ તથા ઇન્દ્રજીતસિંહ સીસોદીયા તથા સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના કોન્સ પારસભાઈ ટાંક દ્વારા કરવામાં આવી હતી.

(12:23 PM IST)