News of Saturday, 5th July 2025
શાપરમાં દારૂ-એસિડ પી લેનારા બે મિત્રોના મોત
ડ્રાઇવીંગ કરતાં વિશાલ પરમાર અને ચાની હોટલમાં કામ કરતાં યુવરાજ રાઠોડે સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારજનોમાં કલ્પાંતઃ

રાજકોટ તા. ૫: શાપર વેરાવળમાં બે મિત્રોએ દેશી દારૂ અને સાથે સાથે વધુ નશો કરવા માટે સંડાસ બાથરૂમ સાફ કરવાનું એસિડ પી લેતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે સારવાર દરમિયાન મોડી સાંજે બંનેએ દમ તોડી દેતાં પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો. જો કે પોલીસે આ બનાવમાં બંનેએ દારૂ નહિ માત્ર એસિડ જ પીધાનું કહ્યું હતું.
જાણવા મળ્યા મુજબ શાપરમાં રહેતાં વિશાલ રાજુભાઇ પરમાર (ઉ.વ.૧૮) અને તેના મિત્ર યુવરાજ ગુલાબભાઇ રાઠોડ (ઉ.વ.૧૯)એ ગુરૂવારે સાડા નવેક વાગ્યે શાપરમાં પિતૃકૃપા હોટલ નજીક પાન ગેઇટ અંદર એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, પ્રશાંતભાઇ, ધર્મેન્દ્રભાઇ, શકિતસિંહે શાપર પોલીસને જાણ કરી હતી. ગઇકાલે શુક્રવારે સવારે યુવરાજ બેભાન હાલતમાં હતો. જ્યારે તેનો મિત્ર વિશાલ સવારે ભાનમાં આવતાં તેણે કહ્યું હતું કે પોતે દેશી દારૂ પીતો હોઇ ગુરૂવારે રાતે કોથળી લીધી હતી અને બાદમાં વધુ નશો કરવા માટે તેમાં સડાસ સાફ કરવાનું એસિડ ભેળવવાનું નક્કી કરી કરિયાણાની દુકાનેથી એસિડ લિકવીડની બોટલ લીધી હતી. એ પછી તે મિત્ર યુવરાજ પાસે ગયો હતો અને તેને પણ પીવાનું કહ્યું હતું. જો કે પહેલા તો યુવરાજે પોતે દારૂ નથી પીતો તેમ કહી ના પાડી હતી. પણ બાદમાં પોતે પી જતાં યુવરાજે પણ પી લીધુ હતું. દેશીમાં એસિડની અડધી બોટલ ભેળવી દીધાનું પણ વિશાલે રટણ કર્યુ હતું.
યુવરાજની હાલત બગડી જતાં તે તરફડીયા મારવા માંડ્યો હતો. બાદમાં તેણે મામાને ફોન કરી પોતે હોટલ પાસે પટમાં છે, દવાખાને લઇ જવા તેવી બૂમો ફોનમાં પાડતાં તેના મામા સહિતના પરિવારજનો પહોંચ્યા હતાં અને યુવરાજ તથા વિશાલ બંનેને રાજકોટ સારવાર માટે ખસેડ્યા હતાં.
સારવાર દરમિયાન સાંજે વારાફરતી આ બંને મિત્રના મોત થતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. શાપર પોલીસ તપાસાર્થે આવી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ બંનેએ દારૂ નહિ પણ એસિડ જ પીધુ હતું. જો કે ગઇકાલે સવારે ભાનમાં આવેલા વિશાલે દારૂ અને એસિડ બંને પીધાનું રટણ કર્યુ હતું. મૃત્યુ પામનાર યુવરાજ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને ચાની હોટેલમાં નોકરી કરતો હતો. તેના પિતા હયાત નથી. જ્યારે વિશાલ બે ભાઇ અને બે બહેનમાં બીજો હતોે અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પિતા પણ ડ્રાઇવીંગ કરે છે. આ બનાવથી પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો.
(12:33 PM IST)










