News of Saturday, 5th July 2025
રાજકોટના ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજાની પાસા તળે અટકાયતઃ સાબરમતિ જેલમાં મોકલી દેવાયા
અમરનાથ મંદિરમાં આરતી મામલે સેવકને ધમકી આપતાં તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતોઃ ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ હતીઃ જામીનલાયક ગુનામાં રાગદ્વેષ રાખી કાર્યવાહી કરવામાં આવ્યાનો સ્વજનોનો રોષ

ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજાને રાતે તાલુકા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવતાં પરિવારજનો, આગેવાનો ઉમટી પડયા હતાં. દરમિયાન પી. ટી. જાડેજાને રાતે જ પાસા વોરન્ટની બજવણી કરી પોલીસે સાબરમતિ જેલમાં મોકલી દેવાની કાર્યવાહી કરી હતી (ફોટોઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૫: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર પાછળ આવેલા ઓમકારેશ્વર મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હોઇ તેના બેનરો મંદિર બહાર લગાવાયા હોઇ આ બાબતે શહેરના ક્ષત્રિય આગેવા પી. ટી. જાડેજા (પ્રવિણસિંહ ટપુભા જાડેજા)એ મંદિરના સેવકને ફોન કરી ધમકી આપતાં આ મામલે તાલુકા પોલીસે પી. ટી. જાડેજા સામે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં તેમને નોટીસ અપાઇ હતી અને બાદમાં નિવેદન લઇ જવા દેવામાં આવ્યા હતાં. જો કે બીજી તરફ ગત રાતે એકાએક તાલુકા પોલીસ તેમના ઘરે સાઇનગરમાં પહોંચી હતી અને તેમની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ જઇ પાસા વોરન્ટની બજવણી કરી દેતાં પરિવારજનો, ક્ષત્રિય આગેવાનોમાં રોષ વ્યાપી ગયો હતો. આ કાર્યવાહીને કિન્નાખોરી ભરેલી ગણાવાઇ હતી અને સરકારે રાગદ્વેષ રાખી આ કાર્યવાહી કરાવ્યાનો સ્વજનોએ આક્ષેપ કર્યો હતો.
મંદિરના સેવકને અપાયેલી ધમકીના ગુનામાં ગઈકાલ સાંજે પી.ટી.જાડેજાને તાલુકા પોલીસ તેમના ઘરેથી અટકાયત કરી પોલીસ મથકે લઇ જતાં મોટી સંખ્યામાં સમર્થકો ક્ષત્રિય આગેવાનો ઉમટયા હતા. તેમજ પરિવારજો પણ પહોંચ્યા હતાં. ધમકીના ગુના સંભર્દે નિવેદન બાદ પી. ટી. જાડેજાની પાસા તળે અટકાયત કરી તેને રાતોરાત અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલી દેતાં ચકચાર મચી ગઇ છે.
નવજયોતપાર્ક શેરી નં ૪માં રહેતા. જસ્મીનભાઈ ભરતભાઈ મકવાણા નામના વેપારીએ તાલુકા પોલીસમાં પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે બીગ બાઝાર પાછળ આવેલ અમરનાથ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન થાય છે. ગત.તા.૨૧ના સોસાયટીના લોકો દ્વારા મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવનાર હોઇ જે બાબતે મંદિર બહાર અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજીત મહાઆરતી લખેલુ એક બોર્ડ બેનર લગાડવામાં આવેલ હોય જેથી પી.ટી.એ મને ફોન કરી આરતી ન કરવા ધમકાવેલ હતો. બાદ રાત્રીના ફરીવખત ફોન કરી કહ્યું કે કાલે મંદિરમાં આરતી કરતા નહીં નહીંતર લોહીયાળ ક્રાંતિ થશે અને હું મંદિરમાં તાળુ મારી દઈશ. તેમજ તુ તો હવે મંદિરમાં આવતો જ નહીં તને તો હું જોઈ જ લઈશ અને તુ તો ગ્યો જ છે અને તલવાર લઈને ત્યાંજ બેસીસ કહી મંદીરમાં ન આવવા ધમકી આપેલ હતી.તેમજ મંદીર બહાર લગાડેલ બોર્ડ પણ પોતે કાઢીને લઈ ગયેલ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમ્યાન ગઈકાલ સાંજે પી.ટી.જાડેજાની અટકાયત કરવામાં આવતા મોટી સંખ્યામાં તેના સમર્થકો પોલીસ મથકે ઉમટયા હતા.પરંતુ પોલીસ કમિશનરે ઇશ્યુ કરેલા પાસાના વોરન્ટને પગલે તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા અને સ્ટાફે પાસાના વોરન્ટની બજવણી કરી તેમને સાબરમતી જેલમાં ધકેલી દેતાં ચકચાર જાગી છે. રાતે પોલીસ સ્ટેશને ઉમટેલા આગેવાનો, પરિવારજનોએ કહ્યું હતું કે આ એક જામીનલાયક ગુનો હતો. પરંતુ સરકારે રાગદ્વેષ રાખીને પાસા તળે પગલા લઇ લીધા છે. આ કાર્યવાહીને પગલે હવે આગેવાનો, ક્ષત્રિય સમાજ ફરીથી મેદાને આવે તેવી શક્યતા છે
(2:51 PM IST)










