<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

પી.ટી. જાડેજા સામેનો ‘‘પાસા''નો હુકમ ‘‘રીવોક'' કરોઃ ખોટી રીતે ફીટ કરી દેવાયા છેઃ ક્ષત્રિયોની રેલીઃ કલેકટરને આવેદન : જુઓ વિડિયો

૩૦૦ થી વધુ લોકો ઉમટી પડયાઃ કલેકટર કચેરીએ દેખાવો-સૂત્રોચ્‍ચારઃ વિસ્‍તૃત રજૂઆતો... : ક્ષત્રિય આંદોલનમાં ભાગ લીધોઃ સતાધારી પક્ષ સામે પડયા એટલે બદલાની ભાવનાથી ખોટી રીતે પાસાનું શસ્‍ત્ર ઉગામાયું છે :કલેકટર ઉપરાંત પોલીસ કમિશ્‍નરને પણ આવેદન આપ્‍યું

શહેર પોલીસ તંત્રે ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજા સામે પાસાનું શસ્‍ત્ર ઉગામી તેમની ધરપકડ કરી તેના વિરોધમાં ક્ષત્રિયોની મોટી રેલી નીકળી હતી, અને કલેકટર પ્રવાસમાં હોય એડી. કલેકટરને આવેદન પાઠવી રજૂઆતો કરી તે નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. પઃ શહેરના ક્ષત્રિય સમાજના તથા અન્‍ય સમાજના આગેવાનોએ રાજકોટ કલેકટરને આવેદન પાઠવી-સુત્રોચ્‍ચાર-દેખાવો તથા જંગી રેલી સાથે જણાવ્‍યું હતું કે, ક્ષત્રિય આંદોલનમાં સક્રિય ભુમીકા ભજવનાર સામાજીક અને સેવાભાવી આગેવાન અને સામાન્‍ય સત્‍ય હકીકતોથી વિરૂધ્‍ધના ઉભા કરેલ ખોટા બે ગુન્‍હાઓમાં ફીટ કરી દઇ રાજકીય અદાવતથી પાસામાં ગેરકાયદેસર અટકાયત કરી રાજકોટ શહેરના તથા જીલ્લાના પોલીસ સ્‍ટેશનોમાં આવા સામાન્‍ય પ્રકારના બે ગુન્‍હાથી વધુ ગુન્‍હા ધરાવનારના કિસ્‍સાથી હાલના કિસ્‍સાને અલગ રીતે લઇ ગેરકાયદેસર અટકાયત કરી કરવામાં આવેલ અન્‍યાય અન્‍વયે સત્‍વરે પાસાનો હુકમ રીવોક કરવા અને સામાજીક તથા સેવાભાવી ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજાને અને તેના પરીવારજનોને ન્‍યાય અપાવવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, પી. ટી. જાડેજા સામે સાવ ખોટી રીતે ગુન્‍હો દાખલ કરી અન્‍યાય કરેલ છે, ફરીયાદી દ્વારા બે માસ પહેલા રેકોર્ડીંગ રજૂ કરી કરવામાં આવેલ અરજી અન્‍વયે ચેપ્‍ટર કેસની કાર્યવાહી કરી તપાસ પૂરી કરી દેવાઇ છતાં ફરી કાર્યવાહી કરાઇ છે. તેમજ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ હોય તે પહેલા પોલીસ સમક્ષ પી. ટી. જાડેજા એ પૂરાવા સાથે લેખીત ફરીયાદ ઇનવર્ડ કરાવી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, શહેર-જીલ્લાના તમામ પોલીસ સ્‍ટેશનમાં સામાન્‍ય પ્રકારનાં બે કે તેથી વધુ ગુન્‍હાઓ દાખલ થયેલ હોય તેવા તમામ પોલીસ સ્‍ટેશનના રેકોર્ડ છે છતાં તેવા લોકો સામે પાસાનું શસ્‍ત્ર હાથ ધરવાની જગ્‍યાએ ક્ષત્રિય આંદોલનમાં મહત્‍વની ભૂમિકા ભજવી સતાધારી રાજકીય પક્ષની સામે પડવાના કારણે બદલાની ભાવનાથી ખોટી રીતે પાસાનું સસ્‍ત્ર ઉગામાયું છે.

પી. ટી. જાડેજા આવેદનમાં ઉમેરાયું હતું કે, અમરનાથ મહાદેવ મંદિરમાં શરૂઆતથી પ્રમુખ દરજજે સેવા બજાવી રહેલ હોય જે મંદિરમાં ગેરકાયદેસર કબજો અમુક તત્‍વો દ્વારા કરી મંદિરની સેવાપુજાને બીઝનેશ બનાવી દેતા તે અન્‍વયે વિરોધ પ્રદર્શિત કરતા અને સત્‍ય હકીકતો જણાવતા આ ટોળકીના સભ્‍યોને હથીયાર બનાવી રાજકીય ઇશારે સામાન્‍ય ઘટનાને મોટું સ્‍વરૂપ આપી માત્ર પ્રક્રિયા આંદોલન વખતે સતાધારી રાજકીયપક્ષ વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાની બાબતને સરકારી તંત્ર દ્વારા પી. ટી. જાડેજા બાપુની સામાજીક, રાજકીય વિગેરે પ્રવૃતીઓનું કદ ટુંકુ કરવા અને સામાજીક રીતે ઉતારી પાડવા અને સમાજમાં નીચા દેખાડવા જે પ્રકારે રાજકીય ઇશારે પોલીસના માધ્‍યમથી હીનકક્ષાનું કૃત્‍ય કરવામાં આવેલ છે જે રેકર્ડ પરની હકીકતો છે.

રાજકોટ શહેર અને જીલ્લાના તમામ પોલીસ સ્‍ટેશનોમાં અનુસંધાનવાળા ગુન્‍હાઓથી વધુ ગંભીર પ્રકારના ગુન્‍હાઓ જેના પર નોંધાયેલ છે તેના સામે પાસાની કાર્યવાહી નહીં કરી સામાજીક આગેવાન પી. ટી. જાડેજા બાપુ વિરૂધ્‍ધ સાવ ખોટી રીતે પાસાનું શસ્‍ત્ર ઉગામવામાં આવેલ હોય તાત્‍કાલીક અસરથી પાસાનો હુકમ રીવોક કરવા અને પી. ટી. જાડેજા બાપુને મુકત કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્‍યા રાહે હવે પછી એક પછી એક કાર્યક્રમો આગળ ધરી રાજકીય ઇશારે પોલીસ કેવા કેવા કાર્યો કરી રહેલ છે તે સમગ્ર હકીકતો ઉજાગર કરવા અને જનતા સમક્ષ સત્‍ય હકીકતો લાવવા ફરજ પડશે. તેમજ હાઇકોર્ટમાં પણ રીટ પીટીશન કરાશે તેવું આવેદનમાં ઉમેરાયું હતું. (૭.૪પ)

(2:39 PM IST)