<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

પારેવડી ચોક મહાત્મા ગાંધી પ્લોટમાં સચીન પરમારને યશ રાઠોડે છરી ઝીકી

યુવાન સારવાર હઠળઃ છ હજાર ઉછીના લીધા હોઇ તે આપી દીધા છતાં ફરી ઉઘરાણી કરી ગાળો દઇ હુમલો કરાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૫: પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં યુવાન પર આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે છરીથી હુમલો કરી ડાબા સાથળે ઘા મારી દેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં. ૧૨માં રહેતો સચીન નરેશભાઇ પરમાર (ઉ.વ.૨૧) રાતે સાડા નવેક વાગ્યે ઘર નજીક હતો ત્યારે આ વિસ્તારમાં જ રહેતાં યશ રાઠોડે આવી ઝઘડો કરી છરીનો ઘા મારી દેતાં દેકારો મચી ગયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ભાગી ગયો હતો. સચીન  લોહીલુહાણ  થઇ ગયો હોઇ તેના સગાને  જાણ થતાં ઘટના સ્થળે પહોંચી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, પ્રશાંતભાઇ, ધર્મેન્દ્રભાઇ, શકિતસિંહે કરતાં  બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. સચીને જણાવ્યું હતું કે તે લાઇટર બનાવવાના કારખાનામાં કામ કરે છે. અગાઉ તેણે યશ પાસેથી ઉછીના છ હજાર રૂપિયા કામ માટે લીધા હતાં. આ રકમ પાછી આપી દીધી હોવા છતાં તેણે ફરીથી ઉઘરાણી કરી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(1:17 PM IST)