<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

કુવાડવા રોડના શો રૂમમાં કર્મચારી દ્વારા વાહનોના બોગસ જોબકાર્ડ બનાવી ૯.૨૬ લાખની ઉચાપત

એક્‍સીડેન્‍ટ થયેલા વાહનોના રીપેરીંગના નામે ૩૯૨ ગ્રાહકોના નામે ખોટા બીલ-જોબકાર્ડ બનાવી નાણા પોતાના ખાતામાં લઇ લીધાનો આરોપઃ બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૫: શહેરના કુવાડવા રોડ રણછોડનગરમાં આવેલા સુઝુકી કંપનીના ટુવ્‍હીલરના સર્વિસ સ્‍ટેશન માધવ ઓટોલિંક પ્રા.લિ. ખાતે એક્‍સીડન્‍ટ ઇન્‍ચાર્જ તરીકે નોકરી કરતાં શખ્‍સે વીમા કંપનીએ વાહનોની નક્કી કરેલી રકમ ઉપરાંતની બીલ મુજબની બાકી ઉઘરાવી ૩૯૨ વાહનોના નકલી જોબકાર્ડ ઉભા કરી ૯,૨૬,૦૦૦ની રકમની ઉચાપત કરી લેતાં આ બારામાં બી-ડિવીઝન પોલીસે વાવડી મહમદીબાગ શેરી નં. ૪માં રહેતાં અને નાના મવા સર્કલ પાસે આવેલ શ્‍યામભાઇ રાયચુરાના આન ગ્રુપની ઓફિસમાં ફાયનાન્‍સ મેનેજર તરીકે નોકરી કરતાં શાહનવાઝ હારૂનભાઇ શમા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી સર્વિસ સ્‍ટેશનના એક્‍સીડેન્‍ટ ઇન્‍ચાર્જ સતિષ દિપકભાઇ મકવાણા અને તપાસમાં ખુલે તેની સામે રૂા. ૯,૨૬,૦૦૦ની ઉચાપતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શાહનવાઝ શમા બાર વર્ષથી ફાયનાન્‍સ મેનેજર છે. તેમજ આન ગ્રુપનું માધવા ઓટોલિંક સુઝુકીનો શો રૂમ તથા સર્વિસ સ્‍ટેશન કુવાડવા રોડ રણછોડનગરમાં છે ત્‍યાંનું ફાયનાન્‍સનું કામ પણ સંભાળે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે કુવાડવા રોડ ખાતેના સર્વિસ સ્‍ટેશનમાં સુઝુકી કંપનીના વાહનો કે જેમમના એક્‍સીડન્‍ટ થયા હોઇ તે રીપેર કરવાનું અને સ્‍પેરપાર્ટસ નાખવાનું કામ થાય છે. તેમજ આવા વાહનના વીમા કંપનીને કોટેશન આપી ક્‍લેઇમ મુજબ કસ્‍ટમરને મળવા પાત્ર કમમાંથી અને તે સિવાય ઉપરની થતી રકમ ગ્રાહકો પાસેથી રોકડેથી, ચેકથી સ્‍વીકારી બીલની ચુકવણી બાદ વાહન ગ્રાહકને અપાય છે. આ રીતે વાહનની સર્વિસ કે રીપેરીંગનું ઓરીએન્‍ટેડ કામ પણ કરવામાં આવે છે.

અમારી માધવ ઓટોલિંક કંપનીનું ઓડીટ ૯-૧૦-૨૪ના એકાઉન્‍ટ મેનેજર સુમિત રાવલ અને ફાયનાન્‍સ કન્‍ટ્રોલર યશવત ભટ્ટીએ કર્યુ હતું. જેમાં પાંચ જોબ કાર્ડના બીલ જ બન્‍યા નહિ હોવાનું ખુલ્‍યું હતું. જેમાં ૨૦૨૩ના ત્રણ અને ૨૦૨૪ના બે જોબકાર્ડ સામેલ હતાં. આ રીતે એપ્રીલ-૨૦૨૪થી એપ્રિલ-૨૦૨૫ સુધી કુલ ૧૩ મહિનામાં ૩૯૨ ટુવ્‍હીલરના જોબ કાર્ડ તથા બીલના હિસાબની એન્‍ટ્રીમાં તફાવત હતો. બીલોનો તાળામેળ થતો ન હોઇ તેવુ ધ્‍યાને આવતાં વર્કશોપના મેનેજર અર્જુન પ્રવિણભાઇ જાદવે લેખીત અરજી પોલીસને આપી હતી. એ પછી અમે વધુ તપાસ કરાવતાં ખબર પડી હતી કે વર્કશોપમાં પાંચ વર્ષથી નોકરી કરતાં સતિષ મકવાણા (રહે. વેલનાથપરા બેડી ચોકડી)ને એક્‍સીડેન્‍ટલ ઇન્‍ચાર્જની બઢતી મળતાં આ વિભાગમાં ફરજ બજાવતાં હતાં. તેણે તેણે વર્કશોપમાં આવતાં સુઝુકી કંપનીના ટુવ્‍હીલર વાહનોના એક્‍સીડેન્‍ટલ ક્‍લેઇમ કે રીપેરીંગ મુજબ જોબકાર્ડ બનાવી વીમા કંપનીમાંથી એપ્રુઅલ મેળવી વાહનોનું રીપેરીંગ કરાવી બલી બનાવી વીમા કંપનીના એપ્રુઅલ મુજબની રકમ  ઉપરાંતની રકમ ગ્રાહક પાસેથી મેળવી વાહન રીપેર કરાવી બીલ બનાવી ગ્રાહકને આપતા હતાં.

તેણે પોતાની આ ફરજ દરમિયાન વાહનના ખોટા બીલો બનાવી ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના વીમા દર્શાવી, વીમા કંપની જવાબદાર જ ન હોઇ છતાં ઘણા બીલોમાં વીમા કંપનીના નામે એન્‍ટ્રી કરી તે બીલોના નાણા કંપનીમાં જમા ન કરાવી ખોટા જોબ કાર્ડ ઉભા કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્‍યું હતું. આ રીતે તેણે કુલ ૩૯૨ જેટલા ગ્રાહકોના વાહોનોના એક્‍સીડેન્‍ટલ ક્‍લેઇમમાં વીમા કંપનીએ આપેલ એપ્રુઅલ રકમ સિવાયની રકમ મુજબ બાકીની રકમ ગ્રાહકોએ આપવાની થતી હોય છે તે રકમ   સતિષે રોકડેથી કે ઓનલાઇન પોતાના ખાતામાં મેળવી લીધી હતી. આ બાબતે તેનો ખુલાસો પુછતાં યોગ્‍ય જવાબ આપ્‍યો નહોતો. હિસાબ થતાં કુલ રૂા. ૯,૨૬,૦૦૦ની ઉચાપત તેણે ખોટા જોબકાર્ડ બનાવીને કરી લીધાનું સામે આવ્‍યું હતું. તેમ વધુમાં શાહનવાઝ શમાએ જણાવતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ કે. પી. જાદવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:11 PM IST)