<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

આ શેડ અમારો છે...કહી કારખાનેદાર યુવાન અને તેના પિતા પર ફિરોઝ ઉર્ફ ભાઇજાનનો પાઇપથી હુમલોઃ હાથ ભાંગી ગયો

કોઠારીયા રેલ્‍વે સ્‍ટેશન પાછળ બ્‍લોકસમ પ્‍લાસ્‍ટીક નામના કારખાનાના શેડમાં બનાવઃ આજીડેમ પોલીસે જીવરાજ પાર્કના સોહમ ઝાલાવડીયાની ફરિયાદ પરથી ફિરોઝ સહિત બે શખ્‍સ સામે ગુનો નોંધ્‍યોઃ એક મહિના પહેલા જ આ શેડ ભાડે રાખ્‍યો છે

રાજકોટ તા. ૫: જીવરાજ પાર્કમાં રહેતાં કારખાનેદાર યુવાને કોઠારીયા સોલવન્‍ટ રેલ્‍વે સ્‍ટેશન પાછળ શેડ ભાડે રાખ્‍યો હોઇ તેમાં તે અને તેના પિતા મજૂરોને બોલાવી સાફસફાઇ કરતાં હતાં ત્‍યારે આ વિસ્‍તારના બે શખ્‍સે આવી ‘આ અમારો શેડ છે, અહિ કેમ સફાઇ કરો છો?' કહી ગાળો ભાંડી લોંખડના પાઇપથી હુમલો કરી આડેધડ ઘા ફટકારતાં કારખાનેદાર યુવાનનો હાથ ભાંગી ગયો હતો અને તેના પિતાને પણ ઇજાઓ થતાં બંનેને સારવાર લેવી પડી હતી. પોલીસે દાદાગીરી કરી હુમલો કરી ભાગી ગયેલા બંને શખ્‍સોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

આજીડેમ પોલીસે આ અંગે નાના મવા રોડ જીવરાજ પાર્ક એપલવૂડ એપાર્ટમેન્‍ટ બી-૧૦૨માં રહેતાં અને કોઠારીયા સોલવન્‍ટ રેલ્‍વે સ્‍ટેશન પાછળ બ્‍લોસમ પ્‍લાસ્‍ટીક નામે કારખાનુ ચલાવતાં સોહમભાઇ કાંતિભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ફિરોઝ ઉર્ફ ભાઇજાન અને તેની સાથેના અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે.

સોહમભાઇએ જણાવ્‍યું છે કે હું હાલ જ્‍યાં કારખાનુ ચલાવુ છું તે જગ્‍યા મહેશભાઇ કોટેચાની છે અને મેં એકાદ મહિના અગાઉ ભાડેથી રાખી છે. હું, મારા પિતા અને ત્રણ ચાર મજૂરો આ શેડ ખાતે  સાફસફાઇ કરતાંહતાં ત્‍યારે રિફોઝ ઉર્ઃ ભાઇજાન અને અજાણ્‍યા શખ્‍સે આીને ‘આ શેડ અમારો છે, અહિ તમે કેમ સફાઇ કરો છો?' કહી ગાળો દઇ શેડ ખાલી કરી નાખજો તેવુ કહેતાં મેં અને મારા પિતાએ તેને આ શેડ અમે ભાડેથી રાખ્‍યો છે તેમ કહ્યું હતું. તેના દસ્‍તાવેજ સાથે અમે પોલીસ સ્‍ટેશને અરજી કરવા જવાની તૈયારી કરી ત્‍યાં  ફિરોઝ અને અજાણ્‍યા શખ્‍સે લોખંડના પાઇપથી અમારા પર હુમલો કરી દીધો હતો.

મારા પિતાએ આ બંનેએ હાથ, શરીરે ઘા મારતાં હુ઼ બચાવવા વચ્‍ચે પડતાં મને પણ પાઇપના ઘા માર્યા હતાં. હું ત્‍યાંથી ભાગીને અમારા જુના શેડ તરફ જતાં આ બંને મારા પિતાને ત્‍યારે પણ પાઇપના ઘા ફટકારતાં જોવા મળ્‍યા હતાં. માથાના ભાગે ઘા મારવા જતાં મારા પિતાએ હાથ આડો રાખતાં હાથમાં ઇજા થઇ હતી. આ પછી મારા પિતા પણ ભાગીને અમારા બીજા શેડમાં આવી ગયા હતાં ઇજા થઇ હોઇ ૧૦૮ બોલાવતાં મને અને મારા પિતાને હોસ્‍પિટલે ખસેડયા હતાં. મને ડાબા હાથના પંજામાં ફ્રેકચર થયાનો રિપોર્ટ આવ્‍યો હતો. મારા પિતાને ડાબા હાથે કોણીમાં ઇજા થતા ટાંકા આવ્‍યા હતાં અને છાતીમાં પણ ઇજા થઇ હતી. તેમ વધુમાં સોહમભાઇએ કહેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:57 PM IST)