News of Saturday, 5th July 2025
મોજશોખ માટે ત્રણ ટુવ્હીલર ચોર્યાઃ સિકંદર પલેજાને યુનિવર્સિટી પોલીસે દબોચી લીધો
જામનગરથી બે, માધાપર ચોકડીએથી એક ટુવ્હીલર ઉઠાવ્યું હતું: પીઆઇ એચ. એન. પટેલ અને ટીમની કાર્યવાહીઃ વિરદેવસિંહ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૫: વાહન ચોરીના ગુના ડિટેક્ટ કરવા યુનિવર્સિટી પોલીસની ટીમ કાર્યરત હતી એ દરમિાયન મળેલી બાતમી પરથી મુંજકા ગામના ગેઇટ પાસેથી ચોરાઇ બાઇક સાથે સિકંદર જુમાભાઇ પલેજા (રહે. યુનિવર્સિટી રોડ બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળ, વશુભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી)ને સકંજામાં લઇ વિસ્તૃત પુછતાછ કરતાં તેણે પોતાની પાસે રહેલા એક ટુવ્હીલર સહિત ત્રણ વાહનોની ચોરી કબુલતાં ધરપકડ કરવામાં આવી હતી.
પેટ્રોલીંગ દરમિયાન હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતાં સિકંદરને મુંજકાના ગેઇટ પાસેથી સકંજામાં લેવાયો હતો. તેની પાસે ટુવ્હીલર હોઇ તેના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. પોલીસે વિશેષ પુછતાછ કરતાં તેણે આ વાહન તેમજ અન્ય બે વાહનોની પણ ચોરી કર્યાનું કબુલતાં તેની પાસેથી ૬૦ હજારનું સફેદ એક્સેસ, ૩૦ હજારનું સ્પલેન્ડર અને ૧૮ હજારનું અન્ય એક સ્પ્લેન્ડર મળી ૧,૦૮,૦૦૦ના વાહનો કબ્જે કરાયા હતાં.
આ ત્રણેય વાહનો તેણે એક મહિનામાં ચોરી કર્યા હતાં. જેમાં એક વાહન જામનગર ગુલાબનગરના પેટ્રોલ પંપ સામેથી પચ્ચીસ દિવસ પહેલા, બીજુ એક મહિના પહેલા જામનગર વિક્ટોરીયા પુલ પાસેથી અને ત્રીજુ બે દિવસ પહેલા મોડી રાતે માધાપર ચોકડી પાસે પૂલ નીચે પાર્કિંગમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. મોજશોખ માટે તે વાહનો ઉઠાવતો હતો. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એન. વી. ચાવડા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી.
(3:50 PM IST)










