News of Saturday, 5th July 2025
વર્ષોથી ભાડાના મકાનમાં ચાલતી શાળા નં. ૯૯ ને અત્યાધૂનિક નવું બિલ્ડીંગ ફાળવોઃ કોંગ્રેસ આગેવાનો
હાલ જયાં વિદ્યાર્થીઓ ભણે છે તે મકાનની હાલત અતિ ખરાબઃ જો તંત્રની ત્રેવડ ન હોય તો ફાળો એકત્રિત કરાવી આપીએઃ કોર્પોરેટર કોમલબેન ભારાઇ- રણજીતભાઇ મુંઘવાની આક્રમક ટકોર

રાજકોટઃ તા.પ, વર્ષોથી ભાડાના મકાનમાં ચાલતી શાળા નં.૯૯ માટે અત્યાધુનિક સુવિધાઓવાળુ કાયમી બિલ્ડીંગ બનાવી આપવા વોર્ડ નં. ૧પ ના કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઇ અને કોંગ્રેસ આગેવાનોએ માંગણી ઉઠાવી છે.
વિગતો વર્ણવતા કોંગ્રેસ આગેવાનોએ જણાવેલ કે હાલ જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યા દયનિય હાલત છે. ભાડાના મકાનમાં સુવિધા વગર વિદ્યાર્થીઓ ભણે છે. સંડાસ-બાથરૂમની સામે બેસીને અભ્યાસ કરવાની અગવડ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે.
ત્યારે શાળા નં. ૯૯ માટે સરસ મજાનું સુવિધાવાળુ આધુનિક બિલ્ડીંગ ફાળવવા અવાર નવાર રજૂઆતો થઇ છે. કોર્પોરેટર કોમલબેન દ્વારા ગત બોર્ડમાં ર૦ર૪ માં પણ આ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતે ટી.પી. શાખાને દરખાસ્ત થઇ ગઇ છે એવા જવાબ આપીને સંતોષ માની લેવાયો છે.
મ્યુ. કમિશ્નરને પણ આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જો તંત્રમાં ત્રેવડ ન હોય તો કોંગ્રેસ ચોકમાં ઉભા રહી લોકો પાસેથી ફાળો એકત્રીત કરાવી સ્કુલ બનાવી આપવા તૈયાર હોવાનો ધ્રુજારો આ આગેવાનોએ વ્યકત કરેલ છે.
કોર્પોરેટર કોમલબેન ભારાઇએ જણાવેલ કે શાળા નં. ૯૯ મારા વિસ્તારમાં આવે છે. આ બાબતે મેં અનેક વખત સવાલો ઉઠાવ્યા છે. જનરલ બોર્ડમાં પણ પ્રશ્નો કર્યા છે. પરંતુ માત્ર ટી.પી. શાખાને દરખાસ્ત થયાના જ જવાબો અપાય છે.
આ શાળામાં ર૧૪ જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળાને કયારેય બજેટમાંથી અલગ ગ્રાન્ટ ફાળવાની તસ્દી લેવાઇ નથી.
શિક્ષણ સમિતિના હોદેદારો એવું કહે છે ક આ એરીયા ટી.પી. શાખામાં આવતો ન હોવાથી નવી શાળા બનાવી શકાય તેમ નથી. પરંતુ શહેરમાં અનેક શાળાઓ નોન ટી.પી. વિસ્તારોમાં હાલ કાર્યરત છે ત્યારે માત્ર આ શાળા નં. ૯૯ સામે જ કેમ રાગદ્વેષ રાખવામાં આવે છે. તેવા સવાલો કોર્પોરેટર કોમલબેન ભારાઇ અને કોંગ્રેસ આગેવાનોએ ઉઠાવ્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર કોમલબેન ભારાઇ અને સાથે કોંગ્રેસ આગેવાનો રણજીતભાઇ મુંધવા, હરેશભાઇ ભારાઇ, નિલેશભાઇ ગોહેલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:10 PM IST)










