તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
અમરસરના રાજેશગીરી ગોસ્વામીનું રાજકોટમાં બાયપાસ સર્જરી બાદ તબિયત બગડતાં મૃત્યુ
ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ થતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું

રાજકોટ તા. ૭: વાંકાનેરના અમરસર ખાતે રહેતાં રાજેશગીરી કૈલાસગીરી ગોસ્વામી (ઉ.વ.૪૪)ને રાજકોટ માધાપર ચોકડીએ આવેલી ખાનગી હોસ્પિટલમાં હૃદયની નળીઓ બ્લોક હોઇ તેની સારવાર માટે દાખલ કરાયા હોઇ અહિ ઓપરેશન થીએટરમાં લઇ જવાયા બાદ બ્લડપ્રેશર ઘટી ગયા પછી તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સ્વજનોએ બેદરકારીનો આક્ષેપ કરતાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ અમરસર રહેતાં રાજેશગીરી ગોસ્વામીને હૃદયની નળી બ્લોક હોઇ ઓપરેશન કરાવવા માટે માધાપર ચોકડીને યુનિકેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમને અઠવાડીયા પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો હોઇ ગત ૨૫/૬ના રોજ સ્ટર્લિંગ ખાતે એન્જીયોગ્રાફી કરાવાઇ હતી. બાદમાં બાયપાસ કરાવવાનું હોઇ આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ૫/૭ના રોજ યુનિકેર હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેને ઓપરેશન થિએટરમાં લઇ જવાયા હતાં. સાંજે ચારેક વાગ્યે આઇસીયુમાં શીફટ કરી સારવાર ચાલુ હોઇ એ દરમિયાન હૃદયના ધબકારા અનીયમીત થતાં બ્લડ પ્રેશર ઘટી જતાં સીપીઆર અપાયું હતું. એ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ અંગેની જાણ હોસ્પિટલ મારફત થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ. બી. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકના સગા સ્વજનોએ બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જો કે ડોક્ટરે જણાવ્યું હતું કે આ પ્રકારના કેસ ૧૦૦માંથી એક બનતો હોય છે. અમે દર્દીને બચાવવા પુરતો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થઇ શક્યા નહોતાં. બાયપાસ સર્જરી સાતેક કલાક ચાલી હતી. એ પછી હૃદયના ધબકારા અનીયમીત થઇ ગયા હતાં અને બનાવ બન્યો હતો.
(1:52 PM IST)










